કોરોના વાઇરસ લૉકડાઉન : રોજી પર કામ કરનારાઓને મોટું નુકસાન

25 March, 2020 10:43 AM IST  |  Mumbai | Agencies

કોરોના વાઇરસ લૉકડાઉન : રોજી પર કામ કરનારાઓને મોટું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં નિયંત્રણોને પગલે નાના ધંધા કરનારાઓને મુશ્કેલી થઈ રહી છે અને ખાસ કરીને રોજી પર કામધંધા કે મજૂરી કરનારાઓને સૌથી વધારે સમસ્યા ઊભી થઈ છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન જાહેર કર્યા પછી નાગરિકોની અવરજવર અને પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, અન્ય કંપનીઓ તથા કૉર્પોરેટ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘેરબેઠાં કામ કરે છે. તેમના નોકરી-ધંધા સુરક્ષિત છે, પરંતુ બાંધકામ જેવાં ક્ષેત્રોના રોજ કમાઈને રોજ ખાનારાઓને મોટી મુશ્કેલી થઈ રહી છે.

બિહારના દરભંગાથી આવેલો પચીસ વર્ષનો રંજન મુખિયા કલીના વિસ્તારમાં બાંધકામ મજૂર તરીકે રોજના ૪૫૦ રૂપિયા કમાય છે. રંજન મુખિયાએ જણાવ્યું હતું કે બે દિવસથી મને રોજગારી મળી નથી. બાંધકામ બંધ હોવાથી કન્સ્ટ્રક્શન કૉન્ટ્રૅક્ટર મને રોજી આપતો નથી અને એ સંજોગોમાં ઘર ચલાવવા માટે જરૂરી સામગ્રી પણ અપાવતો નથી. અમને કોઈ પ્રકારની મદદ મળતી નથી.

રંજન જેવા મજૂરો ડોર્મિટરી જેવા રૂમ્સમાં મહિને ૫૦૦ રૂપિયા ભાડું ચૂકવીને રહે છે, એવા હજારો કામગારો રોજીના અભાવે શહેર છોડીને જઈ રહ્યા છે. રણજિત કુમાર વાસુદેવ નામનો અન્ય એક રોજી પર કામ કરતો મજૂર કહે છે કે અમે ગુજરાન ચલાવવા માટે ઉધાર પૈસા લઈએ છીએ. અમને અમારા વતનમાં જવા માટે સરકારે મદદ કરવી જોઈએ.

ભાડે રિક્ષા લઈને ચલાવતા દિલીપ બેનબન્સી માટે છેલ્લાં ૧૫ વર્ષોમાં કોરોનાના રોગચાળા જેવો કપરો અનુભવ બીજો કોઈ નથી. મહિનાના અનાજ-કરિયાણા ભરવા માટે દિલીપે એના મિત્ર પાસેથી ૨૦૦૦ રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. બીજી બાજુ જિતેન્દ્ર યાદવ જેવા અનેક મજૂરો વતન જવા નીકળ્યા છે, પરંતુ ટ્રેનો અને બસોની સર્વીસ બંધ હોવાથી રઝળી પડ્યા છે. રેલવે પ્લૅટફૉર્મ કે બસ ડેપો પાસે બેઠાં-બેઠાં વહેલી તકે વાહન મળે એની રાહ જુએ છે. જિતેન્દ્ર યાદવ કહે છે કે અમારે માટે આવકનું બીજું કોઈ સાધન નથી અને આ મહાનગરમાં જીવતા રહેવા માટે મારી પાસે બીજું કોઈ સાધન નથી. જો આ લૉકડાઉન લાંબો વખત ચાલશે તો અમારે માટે સાઇકલ પર કે ચાલતા વતન પહોંચી જવા સિવાય વિકલ્પ નહીં બચે.

mumbai mumbai news coronavirus covid19