મુંબઈના 25 ટકા વેપારીઓ પાસે હશે એક જ ઑપ્શન 'ક્વિટ મુંબઈ'

14 September, 2020 07:04 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈના 25 ટકા વેપારીઓ પાસે હશે એક જ ઑપ્શન 'ક્વિટ મુંબઈ'

કોરોનાના લીધે લાગી ગયા છે દુકાને તાળા

કોરોનાને લીધે દેશભરમાં લાગુ કરાયેલા લૉકડાઉન બાદ બેકાર બનેલા લાખો પરપ્રાંતીય મજૂરોએ મુંબઈમાંથી ઉચાળા ભર્યા હતા. મુંબઈની સ્થિતિમાં ૬ મહિના બાદ પણ ખાસ કોઈ સુધારો નથી થયો અને દિવાળી સુધીમાં જો લોકોની ખરીદી નહીં નીકળે તો શહેરના ૨૫ ટકા જેટલા વેપારીઓએ પણ મજૂરોની જેમ અહીંથી ઉચાળા ભરવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મિશન બિગિન અગેઇન હેઠળ મુંબઈમાં મોટા ભાગનાં કામકાજ ખૂલી ગયાં છે, પરંતુ કોરોનાના સતત આવી રહેલા કેસને લીધે લોકોમાં ભારે ગભરાટ હોવાથી તેઓ ઘરની બહાર નીકળતાં ગભરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આથી દુકાનોમાં ગણ્યાગાંઠ્યા ગ્રાહકો જ જોવા મળી રહ્યા છે.

મુંબઈમાં દુકાનો ખૂલી ગઈ છે, પરંતુ આખો દિવસ દુકાન ખુલ્લી રાખ્યા બાદ પણ એકલદોકલ કસ્ટમર ફરકી રહ્યા હોવાથી મોટા ભાગના દુકાનદારોએ ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાણી-પીણી સિવાય કોઈ દુકાનમાં કસ્ટમર નથી. કોરોનાના ડરથી ઘરમાં ભરાઈ રહેલા લોકો ઑનલાઇન જ જરૂરી વસ્તુઓ મગાવતા થયા હોવાને લીધે પણ દુકાનોમાં ગ્રાહકોની કમી આવી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ ઓપન થઈ ગયું છે, પરંતુ દુકાનોનાં ભાડાં ભારે પડી રહ્યાં હોવાની સાથે સ્ટાફની કમી અને સાંજે ૭ વાગ્યા સુધીના સમયને લીધે ૩૦ ટકા દુકાનદારોએ કામકાજ કરવાનું બંધ કરી દીધું છે. શહેરમાં બે લાખ નાની-મોટી દુકાનો છે, એમાંથી ૩૦ ટકાના હિસાબે ૬૦,૦૦૦ દુકાનો આજે બંધ છે. વેપારીઓએ ૨૦૨૦નું વર્ષ ભૂલી જવાનું છે. માર્ચ ૨૦૨૧ સુધી સ્થિતિ સુધરશે તો આવતા વર્ષે કામકાજ રાબેતા મુજબ થવાની આશા રાખી શકાય.’

ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ જેવા મોટા શહેરમાં બધું ઓપન થયા બાદ પણ ૫૦ ટકા વેપારીઓ કામકાજ ચાલુ નથી કરી શક્યા. મોટા ભાગની હોલસેલ માર્કેટ તળમુંબઈમાં આવેલી છે. ટ્રેનો બંધ હોવાથી દૂરના વેપારીઓ અહીં આવી નથી શકતા. કોરોનાના ડરને લીધે મોટા ભાગના લોકોએ તમામ પ્રસંગો રદ કરી નાખ્યા હોવાથી કપડાંથી માંડીને તમામ વસ્તુઓની ખરીદી પર બ્રેક લાગી ગઈ છે. લૉકડાઉનમાં ઑનલાઇન ખરીદીમાં થયેલો ધરખમ વધારો પણ કેટલાક અંશે દુકાનદારોને અસર કરે છે. સરકારો દ્વારા આ વેપારીઓ માટે કોઈ રાહત કે યોજના જાહેર નથી કરવામાં આવી. દિવાળી સુધીમાં આ સ્થિતિમાં સુધારો નહીં થાય તો ૨૫ ટકા વેપારીઓએ મુંબઈમાંથી કાયમ માટે ઉચાળા ભરવા પડે એવું લાગી રહ્યું છે.

દેશભરના ૧.૭૫ કરોડ નાના દુકાનદારો મુશ્કેલીમાં

કોવિડને લીધે કામકાજને ગંભીર અસર પહોંચી હોવાથી દેશભરના ૧.૭૫ કરોડ નાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ) દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો આ તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરવી પડશે. આથી મોટી સંખ્યામાં નાના વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતા લોકો બેરોજગાર બનશે અને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાશે એવી શક્યતા કૅઇટના નૅશનલ પ્રેસિડન્ટ બી. સી. ભારતીય અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે વ્યક્ત કરી છે.

મુંબઈ જેવા મોટા શહેરમાં બધું ઓપન થયા બાદ પણ ૫૦ ટકા વેપારીઓ કામકાજ ચાલુ નથી કરી શક્યા. મોટા ભાગની હોલસેલ માર્કેટો તળમુંબઈમાં આવેલી છે. ટ્રેનો બંધ હોવાથી દૂરના વેપારીઓ અહીં આવી નથી શકતા.
- વિનેશ મહેતા, ફામના પ્રમુખ

mumbai mumbai news coronavirus covid19 lockdown prakash bambhrolia