કોરોના મોટું સંકટ છે, સૂચનાનું સરખું પાલન કરો : શરદ પવાર

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Agencies

કોરોના મોટું સંકટ છે, સૂચનાનું સરખું પાલન કરો : શરદ પવાર

શરદ પવાર

દેશભરમાં ફાટી નીકળેલા કોરોના વાઇરસના રોગચાળાને કટોકટી ગણાવતાં એનસીપીના સુપ્રીમો શરદ પવારે દેશની જનતાને કોરોનાનો પ્રસાર રોકવા સરકારના આદેશોનું પાલન કરવાનું જણાવતાં ઉમેર્યું હતું કે જો લોકો સરકારના આદેશનું પાલન નહીં કરે તો દરેક જણે એનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

ફેસબુક પર લોકો સાથે લાઇવ વાતચીત દરમ્યાન શરદ પવારે કહ્યું કે ‘શહેરની જનતાએ ભુતકાળમાં ધરતીકંપ, પૂર અને દુકાળ જેવી ઘણી કુદરતી હોનારતો જોઈ છે, પણ આ કટોકટી ઘણી ગંભીર છે. આ લાઇવ વાતચીતમાં રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ પણ ભાગ લીધો હતો, જેમાં તેમણે શરદ પવારને લોકોને ઘરમાં જ રહેવાનું જણાવવાની અપીલ કરી હતી.

શરદ પવારે સરકારના આર્થિક પૅકેજની પ્રશંસા કરતાં કટોકટીમાંથી બહાર આવવા માટે લેવાયેલાં પગલાં બદલ રિઝર્વ બૅન્કની પણ પ્રશંસા કરી હતી. જોકે કૃષિ સેક્ટર માટે લેવાયેલાં પગલાં પર્યાપ્ત ન હોવાનુ જણાવતાં તેમણે કહ્યું હતું કે પાકની લોનની ચુકવણી કરવી અશક્ય છે. સરકારે બાગાયત ક્ષેત્ર માટે પણ કેટલાંક પગલાં લેવાં જોઈએ.

ગુરુવારે સરકારે જાહેર કરેલા ૧.૭ લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહન પૅકેજની જાહેરાત કરી હતી, જેમાં ગરીબો માટે અનાજ અને રાંધણ ગૅસ ત્રણ મહિના માટે મફત આપવાની તથા વરિષ્ઠ નાગરિકોને રોકડ સહાય જેવાં સૂચિત કરાયેલાં પગલાં ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની અસરને હળવી કરશે એવી આશા વ્યક્ત કરી હતી. પવારે લોકોને શિસ્ત અને આત્મસંયમ જાળવવાની અપીલ કરી હતી.

mumbai mumbai news coronavirus covid19 sharad pawar