મુંબઈ : ધારાવી છે બેકારીનું સરનામું, કોરોના કેસમાં થયો ઘટાડો

29 July, 2020 09:56 AM IST  |  Mumbai | Gaurav Sarkar

મુંબઈ : ધારાવી છે બેકારીનું સરનામું, કોરોના કેસમાં થયો ઘટાડો

ધારાવીમાં લોકોની ચકાસણી કરતાં આરોગ્યસેવિકા અને ડૉક્ટર. તસવીર : સુરેશ કરકેરા

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીમાં કોવિડ-19ના ફેલાવાને ડામવાના મહાનગરપાલિકાના પ્રયાસોની ભારે સરાહના થઈ, પરંતુ રહેવાસીઓનું કહેવું છે કે આ સ્થળને કારણે અમે ભેદભાવનો સામનો કરી રહ્યા છીએ અને નોકરીદાતાઓ અને વ્યાવસાયિક ભાગીદારો પાસેથી આવક ગુમાવી રહ્યા છીએ. એવું લાગી રહ્યું છે કે ધારાવીમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પણ એના રહેવાસીઓ પ્રત્યેનું સામાજિક લાંછન વધી રહ્યું છે.

અવારનવાર કામ મેળવનારા ઘણા ડોમેસ્ટિક વર્કર્સ અને નાના વ્યાવસાયિકો કહે છે કે અમે એક સમયે મહામારીનું હૉટસ્પૉટ ગણાતા ધારાવીમાં રહેતા હોવાને કારણે લોકો હવે અમને કામ પર નથી રાખતા. છેલ્લાં ૨૫ વર્ષથી અહીં રહેતી અને લૉકડાઉન અગાઉ ઘણાં ઘરોમાં ડોમેસ્ટિક હેલ્પર તરીકે કામ કરતી ૪૫ વર્ષની વિજિયા મલેશ છત્રીએ જણાવ્યું કે, ‘અમે અહીં રહીએ છીએ માત્ર એટલા કારણસર લોકો અમારાથી ડરે એ ઉચિત નથી. કહેવાતા સમૃદ્ધ અને શિક્ષિત વર્ગની આ માનસિકતા વાસ્તવિક સમસ્યા બની ગઈ છે. એને કારણે અમારી રોજિંદી આવક છીનવાઈ ગઈ છે, કેમ કે અમે ધારાવીમાં રહીએ છીએ.’

પતિ અને પુત્ર સાથે અહીં ભાડે રહેતી વિજિયા તેના પરિવારની એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. તે કહે છે કે ‘હું દર મહિને ઘરકામ કરીને લગભગ ૯૫૦૦ રૂપિયા જેટલું કમાઈ લેતી હતી, પણ લૉકડાઉન થયું ત્યારથી મારું કામ છીનવાઈ ગયું છે. ઘરમાં અન્ય કોઈ આવક નથી. હું પૈસા કમાવા માટે શાકભાજી વેચવા જેવાં કેટલાંક કામમાં હાથ અજમાવું છું. અમે વર્ષોથી એક જ કામ કરતાં આવ્યાં છીએ. હવે પૈસા રળવા માટે અમે નવા ઉપાય કેવી રીતે શોધીએ? અમે મફતનું ખાવા નથી માગતાં. અમે અમારી રોજીરોટી રળવા માગીએ છીએ. મારો દીકરો અત્યારે અભ્યાસ કરે છે. હું શા માટે તેની પાસે કામ કરાવું?’

mumbai mumbai news coronavirus covid19 lockdown gaurav sarkar dharavi