મુંબઈ: ગણેશોત્સવમાં આ વખતે કોઈ ધામધૂમ નહીં

02 June, 2020 07:46 AM IST  |  Mumbai | Ranjeet Jadhav, Ashish Rane

મુંબઈ: ગણેશોત્સવમાં આ વખતે કોઈ ધામધૂમ નહીં

ગઈ કાલે પ્રભાદેવી પાસે આવેલી અમોલ આર્ટ્સ વર્કશૉપમાં બે છોકરીઓ ભગવાન ગણેશની મૂર્તિ બનાવી રહી હતી. પેણના મૂર્તિકારોએ કહ્યું હતું કે તેઓ આ વરસે ૫૦ ટકા કરતાં પણ ઓછી મૂર્તિઓ બનાવશે. તસવીર : આશિષ રાજે

આ વર્ષે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં ગણેશોત્સવ તેમ જ આગામી તહેવારોની ઉજવણી કઈ રીતે થશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. પેણની ગ્રામપંચાયતે રેડ ઝોનના મૂર્તિ વિક્રેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતાં ગણેશમૂર્તિઓ પોતે જ ટ્રાન્સપોર્ટ કરશે એમ કહ્યું છે.

કોરોનાની મહામારીએ આગામી તહેવારો પર પોતાનો ઓછાયો છોડ્યો છે. ગણેશોત્સવ આડે હવે માત્ર ત્રણ મહિના રહ્યા છે ત્યારે ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવા માટે પ્રખ્યાત રાયગડ જિલ્લાના પેણ ગામની ગ્રામપંચાયતે પોતાના ગામમાં મહામારીનો પ્રસાર રોકવા માટે રેડ ઝોનના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જો લૉકડાઉનમાં વધુ છૂટછાટ મળી તો એ સંજોગોમાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરનારાઓએ પોતે જ મુંબઈના મૂર્તિ વિક્રેતાઓને પ્રતિમાની ડિલિવરી કરવાની જવાબદારી ઉઠાવી લીધી છે.

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ એક મહત્વનો તહેવાર મનાય છે અને દેશ-વિદેશથી અનેક ગણેશભક્તો મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં ગણેશજીની પ્રતિમાનાં દર્શન કરવા ઊમટી પડે છે. જોકે મહામારીને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરતાં આ તહેવારની ઉજવણી કરવા સંબંધે લોકોમાં ઘણી અસ્પષ્ટતા પ્રવર્તે છે.

ગણશોત્સવના તહેવારના લગભગ બે-ત્રણ મહિના પહેલાં જ પેણના મૂર્તિકારો મુંબઈના રસ્તાની કિનારે પંડાલ બનાવીને ગણેશજીની મૂર્તિ તૈયાર કરવા લાગી જતા હોય છે, પરંતુ આ વખતે પેણની ગ્રામપંચાયતે રેડ ઝોનના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતાં તેમણે મૂર્તિ વિક્રેતાઓના ઑનલાઇન ઑર્ડર લઈ લૉકડાઉનના નિયમો હળવા બનાવાશે તો પોતે જ પ્રતિમા મુંબઈ પહોંચાડવાની જવાબદારી ઉઠાવી છે.

છેલ્લાં લગભગ ૧૨૫ વર્ષોથી પેણમાં ગણેશજીની મૂર્તિઓ બનાવાય છે જેની મુંબઈ તેમ જ દેશનાં અન્ય શહેરો ઉપરાંત વિદેશમાં પણ ખૂબ માગ છે.

mumbai mumbai news ranjeet jadhav ganesh chaturthi prabhadevi