મુંબઈના ડૉક્ટરોને કઈ ​ચિંતા સતાવે છે?

24 March, 2020 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ડૉક્ટરોને કઈ ​ચિંતા સતાવે છે?

પ્રતીકાત્મક તસવીર

અમારે અમારી સેફ્ટી પહેલાં રાખવી પડશે

મુલુંડમાં આશીર્વાદ હૉસ્પિટલના ડૉકટર પરેશ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘દિવસના અમે આશરે ૫૦થી વધુ દરદીઓને મળતા હોઈએ છીએ. દરેકને અલગ અલગ પ્રકારની બીમારી હોય છે. લોકો પોતાની બીમારીથી પીડાતા હોય છે એમાંથી આવતા દરદીને કેવી રીતે આરામ મળે એ જોવું અમારું કર્તવ્ય છે. એ સાથે અમારે ફૅમિલી મેમ્બરનું પણ ધ્યાન રાખવાનું જરૂરી છે. ઘરવાળાઓ તો હૉસ્પિટલમાં આવવાની જ ના પાળે છે. ઘરેથી વારંવાર ફોન પણ આવતો હોય છે મારી સેફટી પાળવા માટે. હું પોતાની સેફટી રાખું છું. રોજ દિવસમાં અવારનવાર હેન્ડ-સેનિટાઇઝરથી હાથ ધોઉં છું, એ સાથે જ હું ડિસ્પોઝેબલ ગાઉન પહેરી દરદીઓને મળું છું. હાલમાં આવતા દરદીઓમાં ખાસ કરીને શરદી અને તાવથી પીડાતા હોય અે લોકોનું ખાસ ધ્યાન રાખવું પળે છે.

આવનારા દરદીઓની સૌપ્રથમ હિસ્ટરી પૂછું છું

કોરોના વાઇરસની ગંભીરતાને જોતાં ગંગાવાડી વિસ્તારમાં ક્લિનિક ધરાવતા પિનાકિન દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસ ફેલાયો ત્યારથી હું હંમેશાં મારા ક્લિનિકમાં આવનારા તમામ દરદીઓની હિસ્ટરી પૂછું છું. વિદેશથી આવ્યા હોય તો તેમની ટ્રીટમેન્ટ જુદી રીતે કરવી પડે કે પછી પાલિકાને એ વિશે જાણ કરવી પડે એટલે હિસ્ટરી પૂછવી પડતી હતી. જોકે મારે ત્યાં કોઈ પણ વિદેશથી આવ્યો હોય એવો દરદી આવ્યો નહોતો. બીજું, મારે ત્યાં આવતા દરદીઓમાં હું કોરોના વિશે થોડી જાગરૂકતા ફેલાવતો અને પૅનિક ન કરવા જણાવતો હતો. ઘરમાં અમે પરિવારજનો સોક્સ પહેરીને ફરીએ છીએ તેમ જ સૅનિટાઇઝરથી અડધા-અડધા કલાકે હાથ ધોઈએ છીએ. ઘર આખાને એપ્રેન કરાવ્યું છે તેમ જ ઘરના તમામ સભ્યો માસ્ક પહેરીને ફરે છે.

બધાના મગજમાં કોરોનાનો ભય દેખાયો

ઘાટકોપર-વેસ્ટમાં સર્વોદય હૉસ્પિટલની નજીક આવેલી શિશુ હૉસ્પિટલના ડૉ. મનીષ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કોરોનાનો ફેલાવો વધવાનો શરૂ થયો ત્યારથી આવનારા દરદીઓને મનમાં કોરોનાનો ભય સતાવતો હતો. જોકે જરૂરી ન હોય એવા દરદીઓને હૉસ્પિટલની મુલાકાત ન લેવાનું તેમ જ બની શકે તો ફોન કે પછી વોટ્સઅૅપ પર કન્સલ્ટ કર્યા હતા. હૉસ્પિટલમાં જે દરદીઓ સારવાર લઈ રહ્યા હતા તે બધાના પરિવારમાંથી કોઈ એકને જ હાજર રહેવા માટે જણાવ્યું હતું. ઓપીડી સેન્ટરને પણ ઑપરેશન બાદ સેનિટાઈઝ્ડ કરવામાં આવે છે. ઘરની વાત કરું તો અમે જોઈન્ટ ફૅમિલીમાં રહીએ છીએ અને મારાં મમ્મી-પપ્પાને અન્યના સંપર્કમાં ન આવવા જણાવ્યું છે. ઘરમાં સેનિટાઇઝરથી કલાકે કલાકે હાથ ધોવાના, માસ્ક પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનું પેનિક કરવાની જરૂર નથી.

દિવસમાં ચાર વખત મમ્મી ફોન કરે છે

શહેરની કેઈએમ હૉસ્પિટલમાં ગૅસ્ટ્રોસર્જન તરીકે ફરજ બજાવતા રેસિડન્ટ ડૉ. યશ પટેલે જણાવ્યું હતું કે ‘કેઈએમ હૉસ્પિટલમાં મારી ફરજ અઠવાડિયામાં ત્રણ દિવસ ઇમર્જન્સી વૉર્ડમાં હોય છે અને બાકીના દિવસ ગૅસ્ટ્રો વૉર્ડમાં હોય છે. ઇમર્જન્સી વૉર્ડમાં રોજના સેંકડો દરદીઓ વિવિધ બીમારીને કારણે સારવાર માટે આવે છે અને અત્યારે તો પરિસ્થિતિ અત્યંત નાજુક છે.’
ડૉ. યશે વધુમાં કહ્યું હતું કે ‘મારી મમ્મી મને દિવસમાં ચાર વખત ફોન કરે છે, પણ ઇમર્જન્સી વૉર્ડમાં પેશન્ટની ભીડના કારણે હું મારા ઘરે ભાગ્યે જ એક વખત ફોન પર વાત કરી શકું છું. હૉસ્ટેલમાં રહેતો હોવાને કારણે મારાં માતા-પિતાને ઘણી ચિંતા થાય છે. હું રોજે સવારે ઘરેથી નીકળતાં પહેલાં ભગવાનની પૂજા કરી તેમને પ્રાર્થના કરું છું કે આ સંકટની સ્થિતિ જલદી પૂરી થાય. અમારી બેચના તમામ ડૉક્ટરો અત્યારે ચિંતાની સ્થિતિમાં છે.’

એક સમયે એક જ દરદીને ક્લિનિકમાં એન્ટ્રી

કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસથી બચવા માટે સાવચેતીનાં અનેક પગલાં લેવાઈ રહ્યાં છે, પરંતુ શહેરભરમાં ક્લિનિક-ડિસ્પેન્સરી ચલાવતા ડૉક્ટરો દરરોજ સેંકડો દરદીઓને તપાસે છે. આવા ડૉક્ટરોને આ મહારોગનો ચેપ લાગી શકે છે. તેઓ ડર સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાની ક્લિનિક ચાલુ રાખી રહ્યા છે. મીરા રોડના શાંતિનગરમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. રંજન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉક્ટરના ફીલ્ડમાં કોઈ આરોગ્યની સમસ્યા આવી પડે કે બીજી કોઈ ઇમર્જન્સી હોય તો અમારે સામાજિક જવાબદારીના ભાગરૂપે ક્લિનિક ચાલુ રાખવું જ પડે. બીજાઓની જેમ અમે ભાગી ન જઈ શકીએ. કોરોનાથી બચવા માટે હું માસ્ક પહેરીને દરવાજા પર હૅન્ડ સૅનિટાઇઝ કરીને જ દરદીને પ્રવેશ આપું છું. તેની સાથે કોઈ હોય તો તેને બહાર ઊભા રાખીએ છીએ. આમ છતાં ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા હોય છે. જોકે અમારી ફરજ છે કે દરદીની સેવા કરવાની. એટલે ડર લાગે તો પણ કામ કરીએ છીએ. ઘરનાઓને ચિંતા થાય, પરંતુ આવી સ્થિતિમાં બીજો કોઈ ઉપાય નથી.

સામાજિક જવાબદારીથી છટકી ન શકીએ

મીરા રોડમાં જ શાંતિનગરના સૅક્ટર ૭માં પ્રૅક્ટિસ કરતાં ડૉ. રાજેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના હોય કે બીજી કોઈ મહાબીમારી, અમે હેલ્થનું ફિલ્ડ પસંદ કર્યું છે એટલે અમે સામાજિક જવાબદારીથી છટકી ન શકીએ. ચેપ લાગવાનો ખતરો હોવા છતાં અમે સાવચેતીરૂપે દરદીઓને માસ્ક પહેરીને તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરીને ક્લિનિકમાં આવવાનું તથા અંદર લાઈનમાં બેસતી વખતે કે કમ્પાઉન્ડર પાસેથી દવા લેતી-સમજતી વખતે બીજાને અડી ન જવાય એનું ધ્યાન રાખવાનું કહીએ છીએ. પરિવારજનોને ચિંતા હોય છે, પરંતુ અમે પૂરેપૂરી સાવધાની રાખતા હોવાનું કહીને તેમને શાંત કરીએ છીએ.’

mumbai mumbai news coronavirus covid19