મુંબઈઃ અનાજ-કરિયાણાના રીટેલ વેપારીઓમાં કઈ વાતની ચિંતા?

16 September, 2020 03:58 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈઃ અનાજ-કરિયાણાના રીટેલ વેપારીઓમાં કઈ વાતની ચિંતા?

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે એપીએમસી માર્કેટ બહાર વેપાર કરવાની પરવાનગી આપી દીધી છે જેનો લાભ મલ્ટિનૅશનલ કંપનીઓ, સુપર માર્કેટ અને મોટા વેપારીઓને થશે. તેઓ દરેક આઇટમના ભાવ પોતાના કન્ટ્રોલમાં રાખી શકશે, જેના કારણે રીટેલ/છૂટક વેપારીઓ અને એપીએમસી માર્કેટના વેપારીઓને પોતાનો વેપાર બંધ કરવાનો સમય આવશે એની સતત ચિંતા વેપારીઓમાં જોવા મળી રહી છે. આ સંદર્ભે રીટેલ/છૂટક વેપારીઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પણ લેવાના છે.

રીટેલ દુકાનદારોને તેમની દુકાન માટે માલ એપીએમસીમાંથી મંગાવવો પડતો હોવાથી તેમનો ખર્ચ વધે છે અને પરિણામે તેઓ મૉલ/સુપર માર્કેટ સામે સ્પર્ધા કરી શકતા નથી. મૉલ અને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ડાયરેક્ટ માલ મંગાવતા હોવાથી તેમના અને છૂટક દુકાનદારોના ભાવમાં તફાવત થાય છે. પરિણામે દુકાનદારો અને ગ્રાહકોનો ખર્ચ પણ વધે છે.

મુંબઈના રીટેલ વેપારીઓની ચિંતા વ્યક્ત કરતાં ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણિકલાલ છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં ૪૦થી ૫૦ હજાર જેટલી નાની-મોટી રીટેલ દુકાનો આવેલી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ હોવાથી વેપારીઓ સતત લોકોની સેવામાં રહ્યા છે. કેન્દ્ર સરકારે એપીએમસી નિયમન રદ કરી દીધું છે પણ એપીએમસીમાંથી સેસ રદ કરવાનું રાજ્ય સરકારો પર છોડી દીધું છે. જોકે મહારાષ્ટ્ર સરકાર તાત્કાલિક ધોરણે ખેતપેદાશોને એપીએમસી નિયમનમાંથી મુક્ત નહીં કરે તો માર્કેટમાંથી માલ ખરીદનાર લાખો છૂટક દુકાનદારોની હાલત કફોડી થશે અને તેમને દુકાનો બંધ કરવાનો વારો આવશે.’

એપીએમસીના હોલસેલ વેપારીઓની કમર તૂટી જશે

ધી ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના સેક્રેટરી ભીમજીભાઈ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ માલ ઉપરનાં નિયમન નાબૂદ કરવા વિશેના અધ્યાદેશને ગઈ કાલે લોકસભામાં મંજૂર કરવામાં આવ્યો છે. એથી ખેડૂત પોતાનો માલ કોઈ પણ બજારમાં વેચી શકશે. ખેડૂતોને લાભ થવાની સાથે જીવનાવશ્યક વસ્તુઓને એપીએમસી કાયદામાંથી નિયમનમુક્ત કરી છે. જ્યારે એપીએમસી માર્કેટના વેપારીઓને સેસ અને અન્ય દેખરેખ ખર્ચ વગેરે લાગતાં એકંદર માલની કિંમત વધી જશે, જેનો સીધો તફાવત એપીએમસી માર્કેટના વેપારીઓ અને બજાર બહારના વેપારીઓ વચ્ચેના ભાવ પર જોવા મળશે. એથી માર્કેટના વેપારીઓના અસ્તિત્વ સામે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown