મીરા-ભાઇંદરની પોલીસ બંદોબસ્તની સાથે જરૂરિયાતમંદોની મદદે આવી

06 April, 2020 11:04 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મીરા-ભાઇંદરની પોલીસ બંદોબસ્તની સાથે જરૂરિયાતમંદોની મદદે આવી

ભાઈંદરમાં ગરીબ યુવતીઓના પરિવારજનોને જીવનજરૂરી વસ્તુઓની કિટનું વિતરણ કરવામાં પોલીસે મદદ કરી હતી.

કોરોનાના ભય વચ્ચે દેશભરમાં કરાયેલા ૨૧ દિવસના લૉકડાઉનમાં રોજનું કમાઈને દરરોજનું ખાતા ગરીબ પરિવારોની હાલત સૌથી ખરાબ છે. આવા પરિવારોને અનેક લોકો મદદ કરવા માગે છે, પરંતુ બધું જ બંધ હોવાથી તેઓ જરૂરિયાતમંદો સુધી પહોંચી નથી શકતા. આવા સમયે ચાંપતો બંદોબસ્ત રાખી રહેલી પોલીસ મદદે આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ભાઈંદરમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી યુવતીઓને ઉચ્ચ શિક્ષણ આપતી બિનસરકારી સંસ્થા ઉદયન શાલિની ફેલોશિપની ટીમે ભાઈંદર પોલીસે અનાજની કિટ પહોંચાડવામાં મદદ કરી હતી.

દેશભરમાં ગરીબ યુવતીઓને ઉચ્ચ શિક્ષણ આપીને પગભર કરવામાં મદદ કરતી ઉદયન કૅર બિનસરકારી સંસ્થાની ઉદયન શાલિની ફેલોશિપ દ્વારા મુંબઈમાં ૧૨૦ અને મીરા-ભાઈંદરમાં ૭૯ યુવતીઓને અત્યારે વિવિધ કૉલેજમાં શિક્ષિત કરાઈ રહી છે. આ યુવતીઓના પરિવાર રિક્ષાચાલકથી લઈને શાકભાજી વેચનારા છે. લૉકડાઉનથી કામકાજ બંધ હોવાને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ આ સંસ્થાએ બિગ બજારના ભાઈંદરમાં આવેલા સ્ટોરની મદદથી જીવનજરૂરી વસ્તુઓની કિટ તૈયાર કરાવી હતી.

આ વિશે આ સંસ્થાનાં મેન્ટોર અનિતા અમરનાથે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે એક પરિવારનું એક મહિના સુધી ગુજરાન થઈ શકે એવી કિટ તૈયાર હતી, પરંતુ કરફ્યુ હોવાને લીધે મીરા-ભાઈંદરમાં રહેતી અમારી સાથે જોડાયેલી ૭૯માંથી ૩૦ યુવતીના ઘરે આ કિટ પહોંચાડવાની મુશ્કેલી હતી. અમે ભાઈંદરના એસડીપીઓ ડૉ. શશીકાંત ભોસલેની મદદ માગતાં તેમણે અમને વાહનની વ્યવસ્થા કરવાની સાથે બે-બે પોલીસ આપતા અમે આ યુવતીઓના ઘરે જીવનજરૂરી વસ્તુઓ શુક્રવારે પહોંચાડી હતી. પોલીસ કાયદો અને વ્યવસ્થાના પાલનની સાથે આવી સેવા પણ કરી શકે છે એ અમારા અનુભવથી જાણી શક્યા.’

mumbai mumbai news mira road bhayander mumbai police coronavirus