કોરોના ઈફેક્ટ: મીરા-ભાઇંદરમાં ટૂ-વ્હીલર્સ માટે પેટ્રોલ પમ્પ બંધ કરાયા

31 March, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના ઈફેક્ટ: મીરા-ભાઇંદરમાં ટૂ-વ્હીલર્સ માટે પેટ્રોલ પમ્પ બંધ કરાયા

મીરા-ભાઈંદરના પેટ્રોલ પમ્પ પર ગોઠવી દેવાયો પોલીસ-બંદોબસ્ત.

રવિવારે મીરા-ભાઈંદરના નયાનગરમાં રહેતા એક પરિવારના ૬ જણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું જણાયા બાદ આખા વિસ્તારને સીલ કરીને સૅનિટાઇઝ કરાયો હતો. આમ છતાં લોકો ટૂ-વ્હીીલર્સ લઈને બહાર નીકળતા હોવાથી સાવચેતીના પગલારૂપે પાલિકાએ ગઈ કાલે અહીંના તમામ પેટ્રોલ પમ્પ બંધ કરાવી દીધા છે.

મીરા રોડમાં પૈયાડે હોટેલની પાછળ આવેલા એક ટાવરમાં એક કૅન્સરથી પીડિત પંચાવન વર્ષની વ્યક્તિ અને તેના પરિવારજનો કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા હોવાનું જણાયા બાદ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ આ વ્યક્તિના પરિવારજનોને ઍમ્બ્યુલન્સમાં કસ્તુરબા હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે કૅન્સર પીડિત વ્યક્તિ અંધેરીમાં આવેલી કોકિલાબેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

મીરા-ભાઈંદરમાં પહેલાં એક પણ કેસ નહોતો અને એકસાથે એક જ પરિવારના ૬ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાયા બાદ પણ અહીંના લોકો કોઈ ને કોઈ બહાને મોટરસાઇકલ અને વાહનોમાં નીકળી રહ્યા હોવાનું જણાયું હતું.

લોકોને ઘરોમાં જ રહેવાની વારંવારની સૂચના અપાઈ હોવા છતાં લોકો સમજતા ન હોવાથી પાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ ગઈ કાલે સાવચેતીના પગલારૂપે અહીંના પેટ્રોલ પમ્પ સામાન્ય જનતા માટે બંધ કરી દઈને પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પેટ્રોલ પમ્પ બંધ કરવાનો આદેશ કમિશનરે જારી કરીને તમામ લાગતા-વળગતા લોકોને તથા સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.

કોઈ પણ વ્યક્તિ પાલિકાના આદેશનો ભંગ કરશે કે પેટ્રોલ પમ્પ પર જઈને માથાકૂટ કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવાનું આદેશમાં લખાયું છે. પેટ્રોલ પમ્પ પોલીસ, હૉસ્પિટલ અને જરૂરી વાહનો માટે ખુલ્લા રહેશે.

mumbai mumbai news coronavirus covid19 mira road bhayander