મુંબઈ: રેલવે-કર્મચારીઓ વીફર્યા, તેમની સ્પેશ્યલ લોકલ ટ્રેન અટકાવી

02 June, 2020 07:45 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: રેલવે-કર્મચારીઓ વીફર્યા, તેમની સ્પેશ્યલ લોકલ ટ્રેન અટકાવી

પ્રતીકાત્મક તસવીર

લોકલ ટ્રેનમાં રેલવે-કર્મચારીઓ કામ પર આવી શકે અને ઘરે પાછા જઈ શકે એ માટે સીએમએમટીથી કર્જત ખાસ લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે. વિદ્યાવિહાર સ્ટેશન પાસે કુર્લા ઈએમયુ વર્કશૉપના કર્મચારીઓએ જ્યારે ગઈ કાલે સાંજે ૫.૩૭ વાગ્યે હોમ સિગ્નલ પર તેમને લેવા રોકાયેલી ટ્રેનમાં ચડવા ગયા ત્યારે ગિરદી જોઈને વીફર્યા હતા અને ટ્રેન આગળ જવા નહોતી દીધી. ઘટનાની જાણ થતાં જીઆરપી અને આરપીએફ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને આખરે સમજાવટ બાદ પોણા કલાક પછી ૬.૧૩ વાગ્યે ટ્રેનને આગળ જવા દેવાઈ હતી.

આ બાબતે રેલવે કન્ટ્રોલને જ્યારે ‘મિડ-ડે’એ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે રેલવેના જ ઈએમયુના કર્મચારીઓનું કહેવું હતું કે એ સ્પેશ્યલ ટ્રેનમાં રેલવે-કર્મચારીઓ તો પ્રવાસ કરે જ છે, પણ એમાં કૉન્ટ્રૅક્ટ કર્મચારીઓ પણ પ્રવાસ કરતા હોવાથી બહુ જ ભીડ થઈ જાય છે, જેને કારણે કોરોનાના ફેલાવાનો ખતરો બહુ વધી જાય છે. એ કર્મચારીઓની માગણી છે કે કાં તો તમે એ કૉન્ટ્રૅક્ટ કર્મચારીઓને એમાં બેસવા ન દો અથવા સ્પેશ્યલ ટ્રેનની સંખ્યા વધારો. કારણ જો આ રીતે અમે ભીડમાં પ્રવાસ કરીશું તો કરોનો નહીં થતો હોય તો પણ થશે. અમને આ રીતે ભીડમાં પ્રવાસ કરવાથી કોરોનાનો ખતરો છે એથી ટ્રેનની સંખ્યા વધારો.
ઘટનાની જાણ થતાં આરપીએફ અને જીઆરપી કુર્લાના સિનિયર પીઆઇ તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને એ આક્રમક અને ઉશ્કેરાયેલા કર્મચારીઓને શાંત કરીને ઉપર રજૂઆત કરવાનું જણાવી માંડ-માંડ મામલો શાંત પાડ્યો હતો અને એ પછી ૬.૧૩ વાગ્યે એ ટ્રેન આગળ રવાના થઈ હતી.

mumbai mumbai news mumbai local train indian railways