મુંબઈ: સહારા માર્કેટના દુકાનદારોમાં ક્યારે જાગૃતિ આવશે?

21 October, 2020 11:14 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: સહારા માર્કેટના દુકાનદારોમાં ક્યારે જાગૃતિ આવશે?

સહારા માર્કેટમાં માસ્ક ન પહેરતા દુકાનદારો.

ક્રૉફડ માર્કેટની અંદર આવેલી સહારા માર્કેટના કેટલાયે દુકાનદારો માસ્ક પહેર્યા વગર બિન્દાસપણે પોતાનો ધંધો કરે છે, જેના પર ગયા શુક્રવારથી બીએમસી દ્વારા દુકાનદારો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ છતાં, કેટલાક દુકાનદારો સુધરતા નથી. મહાનગરપાલિકાના કર્મચારીઓ આવતા દેખાય કે અમુક સમય માટે દુકાનદારો માસ્ક પહેરી લેતા હોય છે અને જેવા જાય કે માસ્ક કાઢી નાખે છે. બીએમસી પોતાની ફરજ બજાવી રહ્યું છે, પરંતુ કેટલાક દુકાનદારોમાં માસ્ક પહેરવા બાબતે હજીયે જાગૃતિ આવી નથી.

મહાનગરપાલિકાના માણસો માસ્ક પહેર્યા હોય નહીં એવા દુકાનદારોને તેમ જ અન્ય લોકોને ફાઇન મારવા રોજ રાઉન્ડ પર આવતા હોય છે, એમ કહેતાં કિશોર સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સહારા માર્કેટના કેટલાક દુકાનદારો હજી પણ માસ્ક પહેરતા નથી. કેટલાક દુકાનદારો માસ્ક પહેરવા તૈયાર જ નથી. તેઓ એમ કહે છે કે કોરોના પહેલાં હતો, હવે કોરોના નથી. આપણને કંઈ થશે નહીં, આ બધુ તો પૈસા કમાવવા માટેની ચાલ છે. આમ કહીને માસ્ક ન પહેરવાનાં બહાનાં દુકાનદારો કાઢે છે. કેટલાક દુકાનદારો ગળામાં રૂમાલ કે માસ્ક લટકાવીને રાખતા હોય છે. મહાનગરપાલિકના ફાઇન મારનારા માણસો દેખાય કે તરત થોડા સમય માટે માસ્ક પહેરી લેતા હોય છે. માસ્ક પહેરવા બાબતે કેટલાક દુકાનદારો ક્યારે જાગૃત થશે?’

આ બાબતે ‘એ’ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ચંદા જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે રોજેરોજ રાઉન્ડ પર નીકળીને માસ્ક ન પહેરનારા લોકોને ફાઇન મારીએ છીએ, પરંતુ કેટલાક દુકાનદારો દૂરથી બીએમસીના કર્મચારીઓને આવતા જોઈને તરત માસ્ક પહેરી લેતા હોય છે. કેટલીક વખત તો આ બાબતે બોલાચાલી પણ થઈ જતી હોય છે. ‘એ’ વૉર્ડમાં ૭ સપ્ટેમ્બરથી ૧૯ ઑક્ટોબર સુધી માસ્ક ન પહેરનારા કુલ ૨૬૪૪ લોકોને ફાઇન માર્યો છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown crawford market