225 સર્વિસના વધારા સાથે આજથી સેન્ટ્રલ રેલવેની અડધોઅડધ લોકલ ટ્રેનો દોડશે

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

225 સર્વિસના વધારા સાથે આજથી સેન્ટ્રલ રેલવેની અડધોઅડધ લોકલ ટ્રેનો દોડશે

લોકલ ટ્રેન

સેન્ટ્રલ રેલવે આજે ૧૯ ઑક્ટોબરથી અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારી, પોલીસ, મેડિકલ સ્ટાફ, બૅન્ક કર્મચારીઓ માટેની વધુ ૨૨૫ લોકલ ટ્રેન દોડાવશે જેથી એની કુલ સંખ્યા ૭૦૬ પર પહોંચી જશે. આ સાથે સેન્ટ્રલ રેલવેમાં એની ક્ષમતાની પચાસ ટકા ટ્રેનો દોડતી થઈ જશે.

સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે રાજ્ય સરકારે માન્ય કરેલા અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને લાવવા-લઈ જવા રેલવે મિનિસ્ટ્રીએ અપ્રૂવ કરી તેમના માટે અત્યાર સુધી ૪૮૧ સ્પેશ્યલ ટ્રેનો દોડવાતી હતી, પણ હવે ભીડ ખાળવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે સેન્ટ્રલ રેલવેએ સોમવારથી વધુ ૨૨૫ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. મેઇન લાઇનમાં ૩૦૯ સ્લો જ્યારે ૧૯૦ ફાસ્ટ ટ્રેન દોડશે. હાર્બર લાઇનમાં ૧૮૭ ટ્રેન અને ટ્રાન્સહાર્બરમાં ૨૦ ટ્રેન દોડશે. સેન્ટ્રલ રેલવેએ તહેવારોની આ સીઝનમાં ૨૬૦ લાંબા અતંરની સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો પણ નિર્ણય લીધો છે.

વેસ્ટર્ન રેલવેએ પણ ગયા જ અઠવાડિયે ૭૦૦ જેટલી લોકલ ટ્રેન સર્વિસમાં ચાલુ કરી હતી. આમ આજથી હવે મુંબઈ લોકલ લૉકડાઉન પહેલાં જેટલી દોડતી હતી એની ૫૦ ટકા ટ્રેનો સાથે ચાલુ થઈ જશે. વેસ્ટર્ન રેલવેમાં પણ તહેવારોના સંદર્ભે લાંબા અંતરની ટ્રેનોની ૧૨ (આવતી-જતી) પેરની કુલ ૧૫૬ ટ્રેન-સર્વિસ આપવાનો નિર્ણય લીધો છે જેમાં પાંચ બાંદરા ટર્મિનસથી, બે ઇન્દોરથી, બે ઊધનાથી અને ગાંધીધામ, ઓખા અને પોરબંદરથી એક-એક ટ્રેન ઊપડશે.

નવરાત્રિમાં મહિલાઓ માટે લોકલ ટ્રેનો દોડશે?

રાજ્ય સરકારે સામાન્ય મહિલાઓને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે, પણ રેલવે બોર્ડે રાજ્ય સરકાર પાસેથી નિયંત્રણ બાબતે મગાવેલી માહિતીનો ખુલાસો હજી સુધી કરાયો ન હોવાથી મહિલાઓને નવરાત્રિમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મળશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે. આ સિવાય મહિલાઓને પ્રવાસ કરવાની પરવાનગી આપવી હોય તો કેટલી મહિલાઓ પ્રવાસ કરશે? કેટલી ભીડ થશે? એને કઈ રીતે મૅનેજ કરી શકાશે? કેટલી ટ્રેનો વધારવી પડશે? એ બધું નક્કી કરતાં સમય લાગશે. એથી તાત્કાલિક ધોરણે મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવી શક્ય ન હોવાનું રેલવે પ્રશાસને કહ્યું હતું.

mumbai mumbai news central railway indian railways mumbai railways mumbai local train rajendra aklekar