મુંબઈ: એમએમઆર લૉક જ રહેશે?

18 July, 2020 06:50 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈ: એમએમઆર લૉક જ રહેશે?

ફાઈલ તસવીર

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના ૯૦૦થી ૧૪૦૦ જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ મુંબઈને અડીને આવેલા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)માં દરરોજ ૩૦૦૦ જેટલા કેસ નોંધાતા હોવાથી આ વિસ્તારની થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા વાઇરસને ફેલાતો અટકાવવા માટે ૧ જુલાઈથી ટોટલ લૉકડાઉન કરાયું છે. જોકે ૧૮ દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન કરાયા બાદ પણ વાઇરસ કાબૂમાં ન આવતો હોવાની સાથે મોટા ભાગે લૉકડાઉનનું પાલન થતું ન હોવાની ફરિયાદ મળી રહી છે એટલે આવી રીતે સતત બધું બંધ રાખવાનો કોઈ મતલબ ન હોવાનું લોકો માની રહ્યા છે. મીરા-ભાઈંદરમાં તો વેપારીઓએ ૧૮ જુલાઈ પછી ટોટલ લૉકડાઉન એક્સ્ટેન્ડ કરાયું તો ‘જેલ ભરો આંદોલન’ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કોરોનાના નવા કેસના આંકડા પર નજર નાખીએ તો મુંબઈ કરતાં થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર. પનવેલ વગેરે વિસ્તારોમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસ કરતાં મુંબઈમાં ત્રીજા ભાગના આવી રહ્યા છે. કેસ વધવાથી કન્ટ્રોલ કરવા માટે લોકોએ પ્રશાસનના નિર્ણયને માથે ચડાવ્યો હતો. જોકે ૧૮ દિવસના લાંબા લૉકડાઉન બાદ પણ એમએમઆરમાં સતત કેસ વધવાની સાથે નિયમનું સંપૂર્ણ પાલન ન થતું હોવાથી લોકોની ધીરજ ખૂટી છે.

આ પણ વાંચો : મુંબઈ: ફોર્ટમાં આવેલી ભાનુશાલી બિલ્ડિંગ ધરાશાયી

થાણે મહાનગરપાલિકા ક્ષેત્રમાં ૬૦,૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હોવાથી અહીં ટોટલ લૉકડાઉન કરાયું હતું. જોકે સ્થિતિમાં ખાસ સુધારો નથી થયો. જોકે મીરા-ભાઈંદરમાં થોડા કેસ ઘટ્યા હોવાથી તથા વેપારીઓ આક્રમક બન્યા છે એટલે કદાચ ૧૯ જુલાઈથી છૂટછાટ જાહેર થઈ શકે છે. બાકીના મોટા ભાગના એમએમઆર વિસ્તારમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે.

હાલની પરિસ્થિતિ જોતાં હજી થોડા સમય સુધી લૉકડાઉન વધી શકે છે. જોકે આ બાબતનો નિર્ણય લેવાનો બાકી છે.
- સંદીપ માલવી, થાણે પાલિકાના પ્રવક્તા

mumbai mumbai news thane kalyan dombivli mira road bhayander prakash bambhrolia