કોવિડ હોસ્પિટલમા સેવા આપ્યા બાદ પાછી ફરેલી ડૉક્ટરનું ગ્રૅન્ડ વેલકમ

09 September, 2020 07:05 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કોવિડ હોસ્પિટલમા સેવા આપ્યા બાદ પાછી ફરેલી ડૉક્ટરનું ગ્રૅન્ડ વેલકમ

પ્રાઉડ ડૉક્ટર્સ : ડૉ. રિદ્ધિ અને ડૉ. પ્રાચી શાહ

કોરોનાના કપરા સમયમાં હેલ્થ અને પોલીસ સેક્ટરના કર્મચારીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે. હજારો પોલીસ અને અસંખ્ય ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવા છતાં તેઓ અડગપણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. કાંદિવલીની એક સોસાયટીમાં રહેતી ડૉક્ટર નવી મુંબઈના વાશીની એક હૉસ્પિટલમાં છ મહિનામાં એક પણ દિવસ ઘરે આવ્યા વિના ડ્યુટી બજાવી રહી હોવાથી સોસાયટીએ ગઈ કાલે તેનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત સોસાયટીના સભ્યની બે દીકરીઓ જે ઇંગ્લૅન્ડની હૉસ્પિટલોમાં કામ કરી રહી છે તેમનું પણ સન્માન કર્યું હતું. સલામ છે આ મહિલા ડૉક્ટરોને.

કાંદિવલી (વેસ્ટ)માં એસ. વી. રોડ પર આવેલા મીથિલા અપાર્ટમેન્ટમાં કિશોર મહેતાની પુત્રી ડૉ. મૈત્રી મહેતા એમબીબીએસ કર્યા બાદ વાશીમાં આવેલી ડી. વાય. પાટીલ હૉસ્પિટલમાં એમ.ડી. મેડિસિનના સેકન્ડ યરમાં રેસિડન્ટ ડૉક્ટર છે. કોરોનાના કેસ આવવા માંડ્યા બાદ ડી. વાય. પાટીલ હૉસ્પિટલને પણ કોવિડમાં કન્વર્ટ કરાયા બાદ અહીં એમ.ડી.ની સ્ટડી કરવાની સાથે રેસિડન્ટ ડૉક્ટર તરીકે કામ કરી રહેલાં ડૉ. મૈત્રી મહેતા સતત ૬ મહિના સુધી કોવિડના પેશન્ટોની સારવાર કર્યા બાદ ગઈ કાલે પહેલી વખત પોતાના કાંદિવલીના ઘરે આવ્યા હતા. આ સમયે મીથિલા અપાર્ટમેન્ટ્સના ૧૦૦ જેટલા રહેવાસીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તેમનું સ્વાગત-સન્માન કર્યું હતું.

આ સોસાયટીના સભ્ય પ્રકાશ મહેતાની પુત્રીઓ ડૉ. રિદ્ધિ શાહ-રાઠોડ (એમ.ડી.) અને પ્રાચી શાહ (એમ.ડી.) ઇંગ્લૅન્ડમાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં જૉબ કરે છે. સોસયાટીએ રિદ્ધિ અને પ્રાચીના પેરન્ટ્સનું પણ સન્માન કર્યું હતું.

મીથિલા સોસાયટીના ચૅરમૅન કાંતિભાઈ મામણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ગર્વ છે કે અમારી સોસાયટીમાં રહેતા બે પરિવારની ત્રણ પુત્રી કોવિડના દરદીઓની સારવાર કરી રહી છે. ઘરની ચિંતા કે જીવલેણ વાઇરસનો ડર રાખ્યા વિના આ દીકરીઓ સેવા કરતી હોવાથી અમે તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. ડૉ. મૈત્રી મહેતા અહીં છે એટલે તે છ મહિના બાદ ઘરે આવી ત્યારે અને ડૉ. રિદ્ધિ અને ડૉ. પ્રાચી શાહ ઇંગ્લૅન્ડમાં છે, પણ તેમનાં માતા-પિતા અહીં જ રહેતાં હોવાથી અમે તેમનું અભિવાદન કર્યું હતું.’

કોરોનાના સંકટમાં ભલભલા ડૉક્ટરોએ કામ બંધ કરી દીધા છે, તેમને હૉસ્પિટલોની સારી ઑફર મળી રહી હોવા છતાં તેઓ ડરને લીધે કામ પર નથી જઈ રહ્યા ત્યારે એકપણ દિવસ ઘરે આવ્યા વિના કોવિડ હૉસ્પિટલમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે ડૉ. મૈત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરદીઓની એક ફૅમિલી મેમ્બરની જેમ સેવા કરવાની સલાહ પપ્પાએ આપી છે એટલે સામાન્ય સ્થિતિ હોય કે કોરોના જેવી મહામારી, મનમાં ડર રાખ્યા વિના કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. હૉસ્પિટલમાં સ્ક્રીનિંગથી લઈને ફીવર ઓપીડી, જનરલ વૉર્ડ અને આઇસીયુ બધાં કામ અમારી બેચ કરે છે. પીપીઈ કિટ પહેરીને કલાકો સુધી કામ કરવાનું સરળ નથી, પણ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી ફરજ હોવાથી અમે કરીએ છીએ. પંદરમાંથી ૭ ડૉક્ટરને કોવિડનું સંક્રમણ થયા બાદ તેઓ રિકવર થયા પછી ફરી કામે ચડી ગયા છે. બધા ડૉક્ટર ડરીને બેસી જાય તો સારવાર કોણ કરશે?’

ડૉ. મૈત્રીના પિતા કિશોર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દરરોજ અમુક ડૉક્ટર કે હેલ્થ વિભાગના સ્ટાફને કોવિડનું સંક્રમણ થયું હોવાના સમાચાર આવે છે. જોકે મને કે મારા પત્ની જાગૃતિને એક પણ વાર વિચાર નથી આવ્યો કે મૈત્રીને પણ આ વાઇરસનું સંક્રમણ થશે તો શું થશે. પંદર દિવસે એકાદ વખત હું તેને જરૂરી સામાન આપવાને બહાને દૂરથી જ ૨-૩ મિનિટ મળી આવું છું.’

શાબ્બાશ… ડૉક્ટર સિસ્ટર્સ

મીથિલા અપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ શાહની પુત્રીઓ ડૉ. રિદ્ધિ અને ડૉ. પ્રાચી (બન્ને એમ.ડી.) ઇંગ્લૅન્ડની જુદી જુદી હૉસ્પિટલોમાં જૉબ કરે છે. સગી બહેનો પણ ડૉ. મૈત્રી મહેતાની જેમ કોરોનાનો ડર રાખ્યા વિના ચારેક મહિનાથી કોવિડ હૉસ્પિટલોમાં દરદીઓની સેવા કરી રહી છે. તેમના પિતા પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિદ્ધિ ૨૦૧૩થી અને પ્રાચી ૨૦૧૮થી ઇંગ્લૅન્ડમાં છે. કોરોનાની શરૂઆત થયાથી અત્યાર સુધી બન્ને ત્યાંની કોવિડ હૉસ્પિટલમાં કામ કરતી હોવાથી તેઓ સંક્રમિત થઈ હતી. રિકવર થયા બાદ તેઓએ ફરી ડ્યુટી જોઈન કરી છે. કોરોનાના સંકટમાં તે વૉરિયરની જેમ કામ કરી રહી હોવાનો અમને ગર્વ છે.’

પીપીઈ કિટ પહેરીને કલાકો સુધી કામ કરવાનું સરળ નથી, પણ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી ફરજ હોવાથી અમે કરીએ છીએ. પંદરમાંથી ૭ ડૉક્ટરને કોવિડનું સંક્રમણ થયા બાદ તેઓ રિકવર થયા પછી ફરી કામે ચડી ગયા છે. બધા ડૉક્ટર ડરીને બેસી જાય તો સારવાર કોણ કરશે?
- ડૉક્ટર મૈત્રી મહેતા

kandivli mumbai mumbai news coronavirus covid19 prakash bambhrolia