કોરોના અપડેટ: દહિસરની ગણપત પાટીલ નગર ઝૂંપડપટ્ટી સીલ

11 May, 2020 11:02 AM IST  |  Mumbai | Pallavi Smart

કોરોના અપડેટ: દહિસરની ગણપત પાટીલ નગર ઝૂંપડપટ્ટી સીલ

દહીંસરની વિશાળ ગણપત પાટીલ નગર ઝુપડપટ્ટી. તસવીર : નિમેશ દવે

કોરોના-ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર વૃદ્ધિને પગલે દહિસરના નવા ગામ વિસ્તારની ગણપત પાટીલ નગર ઝૂંપડપટ્ટીને સીલ કરવામાં આવી છે. એ ઝૂંપડપટ્ટીમાં એક અઠવાડિયામાં કોવિડ-19 કેસની સંખ્યા બેથી વધીને ૭ ઉપર પહોંચતાં મુંબઈ મહાનગરપાલિકાએ સાવધ થઈને એ ઝૂંપડપટ્ટીને સીલ કરી દીધી છે. પાલિકાએ ધારાવીના અનુભવનું પુનરાવર્તન ટાળવા સાવચેતી વાપરી છે. હાલમાં ગણપત પાટીલ નગરમાં તમામ રહેવાસીઓનાં સ્ક્રીનિંગ માટે હેલ્થ વર્કર્સ તહેનાત કરવામાં આવ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને ગણપત પાટીલ નગરની અંદર જતાં અને બહાર નીકળતાં રોકવા માટે ન્યુ લિન્ક રોડને બંધ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત લોકો ઘરની બહાર ન નીકળે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે એની તકેદારી રાખવા માટે રાજ્ય અનામત પોલીસ દળના જવાનોને તહેનાત કરવાની ભલામણ કરી છે. ૫૦ એકરમાં ફેલાયેલા ગણપત પાટીલ નગરની વસ્તી ૫૦,૦૦૦નો આંકડો પાર કરી ચૂકી છે. છેલ્લા એક દાયકામાં એ ઝૂંપડપટ્ટી બેફામ ફેલાઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાના આર-નૉર્થ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેકરે જણાવ્યું હતું કે ‘અમે રોગચાળો ફેલાતો રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. એ વિસ્તારના ટૉઇલેટ્સ અને સાંકડી ગલીઓનું સૅનિટાઇઝેશન વારંવાર કરવામાં આવે છે. લોકો કૉમન ટૉઇલેટ્સનો વપરાશ ઓછામાં ઓછો કરે એ માટે મોબાઇલ ટૉઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સમજાવવા લોકજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે પંદરેક ટકા લોકો ઘરની બહાર નહીં નીકળવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની સૂચનાઓ પાળતા નથી.’

mumbai mumbai news lockdown coronavirus covid19 pallavi smart dahisar