મુલુંડમાં રસ્તે રખડતા કોરોનાના દર્દીને ફરી કોવિડ સેન્ટરમાં મોકલાયો

09 September, 2020 12:07 PM IST  |  Mumbai | Shirish Vaktania

મુલુંડમાં રસ્તે રખડતા કોરોનાના દર્દીને ફરી કોવિડ સેન્ટરમાં મોકલાયો

સીતારામ કાંબળે હાલ મીઠાગર સેન્ટરમાં છે. બે-ત્રણ દિવસમાં તેને નાયર હૉસ્પિટલમાં લઈ જવાશે.

મુલુંડમાં કોરોના પૉઝિટિવ દરદી રસ્તે રખડતો હોવાના અખબારી અહેવાલોને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ એ દરદીને શોધીને તેને ફરી કોવિડ સેન્ટરમાં દાખલ કર્યો હતો. મીઠાગર કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલો રખડુ કોરોના દરદી સીતારામ કાંબળે માનસિક રીતે અસ્થિર છે.

મુંબઈ મહાનગરપાલિકાના ટી-વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિશોર ગાંધીએ જણાવ્યું હતું કે ‘માનસિક અસ્થિરતા ધરાવતો સીતારામ કાંબળે અગાઉના કોવિડ સેન્ટરમાં ડૉક્ટરો, નર્સો તથા અન્ય દરદીઓને હેરાન કરતો હતો. સીતારામ કોવિડ સેન્ટરના સ્ટાફ પર ચોરીના આરોપ પણ મૂકતો હતો. સીતારામ જેવાં ઉદાહરણોને ધ્યાનમાં રાખતાં માનસિક અસ્થિર કોરોના દરદીઓ માટે નાયર હૉસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સીતારામને ટૂંક સમયમાં નાયર હૉસ્પિટલના સેન્ટરમાં ખસેડવામાં આવશે. અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના માનસિક અસ્થિર દરદીઓ નહોતા.’

સીતારામ કોરોના પૉઝિટિવ હોવાનું નિદાન 1 સપ્ટેમ્બરે થયું હતું. તેને ત્રીજી સપ્ટેમ્બરે મીઠાગર કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસ પછી સીતારામે ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ (ડિસ્ચાર્જ અગેઇન્સ્ટ મેડિકલ ઍડ્વાઇઝ) લીધો હતો. ત્યાર પછી સીતારામ મુલુંડના લોકમાન્ય ટિળક રોડ પર રખડતો હતો એની તસવીરો અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

mumbai mumbai news covid19 coronavirus lockdown shirish vaktania mulund nair hospital brihanmumbai municipal corporation