મુંબઈના વૉકર્સ કરી રહ્યા છે લૉકડાઉનના નિયમનો ભંગ

31 May, 2020 08:25 AM IST  |  Mumbai | Ranjeet Jadhav, Ashish Rane

મુંબઈના વૉકર્સ કરી રહ્યા છે લૉકડાઉનના નિયમનો ભંગ

લૉકડાઉનના નિયમનો ભંગ કરીને વૉકિંગ, જૉગિંગ અને વાહનો લઈને લટાર મારવા નીકળેલા લોકોને ચેતવણી આપતા પોલીસ અધિકારીઓ. તસવીર : આશિષ રાજે

મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઘરે રહેવાનું અત્યંત જરૂરી બની ગયું છે ત્યારે કેટલાક મુંબઈવાસીઓ લૉકડાઉનના નિયમોનો અનાદર કરતા જણાયા હતા. અંધેરી-વેસ્ટમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સ જેવા પૉશ વિસ્તારના રહીશો મૉર્નિંગ અને ઇવનિંગ વૉક પર જતા જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓએ આવા લાપરવાહ રહેવાસીઓને દંડ ફટકારવાની સાથે-સાથે તેમની પાસે ઊઠ-બેસ પણ કરાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘મિડ-ડે’એ ઘણી વખત એ તથ્ય પર પ્રકાશ પાડ્યો છે કે આરે મિલ્ક કૉલોની અને ચારકોપ સહિતના ઘણા વિસ્તારોમાં લોકો સરકારના લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલવા નીકળે છે. આ વિવિધ વિસ્તારોના અન્ય રહીશોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે તેમણે વૉકર્સને ઘરે રહેવા માટે વિનંતી કરી હોવા છતાં તેઓ આ વિનંતીને કાને ધરતા નથી. વૉકર્સને દર્શાવતી ઘણી તસવીરો પણ વાઇરલ થઈ ચૂકી છે.

‘મિડ-ડે’ના ફોટો એડિટર આશિષ રાણેએ વૉકર્સ માટેના જાણીતા (કુખ્યાત) થયેલા લોખંડવાલા બૅક રોડના વિસ્તારની ગુરુવાર સાંજે મુલાકાત લીધી હતી. રાણેએ નોંધ્યું હતું કે પોલીસ સાંજે આશરે છ વાગ્યે ગેરકાયદે ફરવા નીકળી પડેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. વર્સોવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ડ્રાઇવરોના લાઇસન્સની ચકાસણી કરવા માટે વાહનો થોભાવતા હતા. જે લોકો વગર કારણે ફરતા માલૂમ પડ્યા હતા તેમને નોટિસ બજાવવામાં આવી હતી. આ રીતે આશરે ૩૦થી ૩૫ લોકોને નોટિસ બજાવાઈ હતી.

mumbai mumbai news coronavirus covid19 lockdown ranjeet jadhav