મુંબઈ: લોકો ટપોટપ મરતા હોય ત્યારે ઉજવણી કઈ રીતે કરી શકાય?

25 May, 2020 08:22 AM IST  |  Mumbai | Diwakar Sharma, Faizan Khan

મુંબઈ: લોકો ટપોટપ મરતા હોય ત્યારે ઉજવણી કઈ રીતે કરી શકાય?

સાયનમાં દેખાયો ઈદનો ચાંદ, જોકે કોરોનાને કારણે આ વખતે ઈદની ઉજવણી ફીકી રહી છે. તસવીર : શાદાબ ખાન

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી પર લૉકડાઉનની કાળી છાયા પડી છે. મુસ્લિમ સમુદાયના અનેક લોકોએ પવિત્ર રમજાનમાં એક મહિનાના ઉપવાસને અંતે આવતી ઈદની ઉજવણી ન કરવાનો નિર્ણય લઈ એના સ્થાને ગરીબોને મદદ કરવા અને તેમનાં બાળકોને નવાં વસ્ત્રો અપાવવાનો નિર્ણય કર્યો છે. ઇસ્લામિક ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત લૉકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં મુસ્લિમો ભેગા મળી ઈદની નમાજ અદા નહીં કરે.

આ ઈદમાં ઘણા લોકો માટે અન્યને સહાય કરવામાં જ ખુશી સમાયેલી છે. મુસ્લિમ વિદ્વાનોની અપીલ પછી મોટા ભાગના મુસ્લિમો ઘરે નમાઝ અદા કરશે. મુસ્લિમ વિદ્વાનોએ લૉકડાઉનની અસરથી તકલીફ વેઠી રહેલા પરપ્રાંતીયો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઈદની ઉજવણી ન કરવાની અપીલ કરી છે.

ઈદ એટલે ખુશીનો તહેવાર, પણ જ્યારે કોરોના વાઇરસના પ્રસારથી લોકો મરી રહ્યા હોય ત્યારે અમે ઈદ કઈ રીતે મનાવીએ? લોકો પોતાના ઘરે પહોંચવા પગપાળા જ ચાલી નીકળ્યા હોય અને અનેક લોકો ઘરે પહોંચતાં વચ્ચે જ મૃત્યુ પામતા હોય ત્યારે ઉજવણી કઈ રીતે કરાય?

આ શબ્દો મુસ્લિમ કાઉન્સિલ ટ્રસ્ટના પ્રમુખ ઇબ્રાહિમ તાઈએ મિડ-ડેને જણાવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે મુસ્લિમ સમાજના સધ્ધર લોકોને બે ટંકનું ભોજન પણ ન મેળવી શકતા ગરીબોને ઈદની ઉજવણી કરવા મદદરૂપ થવા આગળ આવવા પણ મેં અપીલ કરી છે.

ઇસ્લામિક સમાજમાં કદાચ પહેલી જ વખત મુસ્લિમ ભાઈઓ ઈદની નમાજ પણ ઘરે જ અદા કરશે. અનેક મુસ્લિમ પરિવારો માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા પણ કપરી હોય ત્યારે ઈદ કઈ રીતે ઊજવી શકાય? છ દીકરી, એક દીકરો અને પતિ સાથે ભાડે રહેતી શબાનાની સ્થિતિ કંઈક આવી જ છે. લૉકડાઉનને કારણે ઘરમાં આવક શૂન્ય છે. બાળકો ઈદ માટે નવાં કપડાંની જીદ કરે છે પણ ઘરમાં ખાવાનાં સાંસાં હોય ત્યારે નવાં કપડાં ક્યાંથી લાવવાં? મકાનમાલિક પણ સતત ભાડાની માગણી કરી રહ્યો છે એમ શબાનાએ મિડ-ડેને જણાવ્યું હતું.

કુર્લામાં દરજીની દુકાન ચલાવતા અફરોઝ અન્સારી પાસે 20 કારીગરો કામ કરે છે. તેણે તેના કારીગરોને વતન પાછા ન જવા મનાવી લીધા છે અને તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. તેઓ આ વખતે ઈદની ઉજવણી નહીં કરીને ગરીબોમાં બિરયાની વહેંચવાની યોજના ધરાવે છે.

eid mumbai mumbai news coronavirus covid19 lockdown diwakar sharma faizan khan