મુલુંડમાં 2500 લોકોએ વધુ વીજબિલની ફરિયાદ કરી

25 July, 2020 07:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુલુંડમાં 2500 લોકોએ વધુ વીજબિલની ફરિયાદ કરી

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનના સમયમાં મુલુંડના ૨૫૦૦ જેટલા લોકોએ વીજબિલ વધારે આવ્યું હોવાની ફરિયાદ વીજળી પૂરી પાડતી કંપનીમાં કરી હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક લોકોને દસગણાં બિલ મળવાથી તેઓ ચોંકી ઊઠ્યા હતા અને વીજળી કંપનીની ઑફિસમાં ધસી જઈને તેમણે આ વિશે ફરિયાદ નોંધાવી હતી. જોકે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (એમએસઈબી)ના અધિકારીઓ કહે છે કે લોકોને વીજળીના વપરાશ મુજબ જ બિલ મોકલવામાં આવ્યાં છે.

એક અંદાજ મુજબ વીજળીનું વિતરણ કરતી મહાવિતરણ કંપનીના મુલુંડમાં ૧.૪૦ લાખ ગ્રાહકો છે. ગણેશ સોસાયટીમાં રહેતા યોગેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું સામાન્ય બિલ 1 હજાર રૂપિયા આસપાસ આવે છે, પણ આ મહિને 10 હજાર રૂપિયા બિલ આવ્યું છે. અગાઉનાં બધાં બિલ સમયસર ભર્યાં હોવા છતાં આટલું વધારે બિલ મળ્યું છે. આ સંબધે એમએસઈબીમાં ફરિયાદ કરી છે.’

મુલુંડ સર્વોદય વિસ્તારમાં રહેતા અલ્પેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું સામાન્ય રીતે બેથી ત્રણ હજારનું બિલ આવે છે, પણ આ મહિને મને 20 હજારનું બિલ આવ્યું છે. અગાઉનાં બધાં બિલ ભર્યાં હોવા છતાં કેવી રીતે વીજળી કંપની આટલું મોટું બિલ મોકલી શકે?’

આ પણ વાંચો : મુંબઈમાં સ્ટેશનો પર ભીડ નિયંત્રિત કરવા રેલવે ‘ફ્લૅપ’ ગેટ્સ ઊભા કરશે

મુલુંડ એમએસઈબી ઑફિસના મુખ્ય અધિકારી દત્તાત્રાય ભળગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે આવેલી તમામ ફરિયાદોમાં ગ્રાહકોનાં મીટરનાં રીડિંગ કરીને બિલ મોકલવામાં આવ્યાં છે. લૉકડાઉન હોવાથી લોકો ઘરે હતા એથી એસી, ટીવી, કમ્પ્યુટર જેવી અનેક વસ્તુઓનો વપરાશ કર્યો છે જેના કારણે બિલમાં અટલો વધારો જોવા મળી રહ્યો છે. અમારી તરફથી આપેલા એક પણ બિલમાં ખોટો વધારો નથી કર્યો એવો દાવો અધિકારીએ કર્યો છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown mulund