મુંબઈ: બિલ્ડિંગ્સ સીલ માટે પૉલિસી છે, ઝૂંપડપટ્ટી માટે નથી

06 April, 2020 07:35 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: બિલ્ડિંગ્સ સીલ માટે પૉલિસી છે, ઝૂંપડપટ્ટી માટે નથી

સીલ થયેલી બિલ્ડિંગ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે સીલ કરવામાં આવતા કન્ટેઇનમેન્ટ એરિયા બાબતે નિશ્ચિત કાર્યરીતિ અને નીતિની ઘણી રાહ જોયા પછી મુંબઈ મહાનગરપાલિકાએ હવે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી છે, પરંતુ એ પૉલિસી કે એસઓપી ફક્ત બિલ્ડિંગ્સ માટે છે. એમાં ઝૂંપડપટ્ટી કે ચાલીઓ માટે કોઈ ઉલ્લેખ નથી. મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કરેલા એસઓપીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારની ક્લસ્ટર ડેવલપમેન્ટ પૉલિસી અનુસાર એક બિલ્ડિંગમાં કોરોના ઇન્ફેક્શનનો દરદી મળે તો આખા વિસ્તારને સીલ કરવાની જરૂર નથી. એસઓપીમાં જણાવવામાં આવ્યું છે કે સીલ કરવામાં આવેલા બિલ્ડિંગની પાસે તહેનાત ટીમમાં એક કન્ટેઇનમેન્ટ ઑફિસર અને પોલીસ જવાનોનો સમાવેશ રહેશે અને રહેવાસીઓને દવાઓ અને કરિયાણાની ડિલિવરી તેમના ઘરઆંગણે આપવામાં આવશે. કૉમ્પ્લેક્સના એક બિલ્ડિંગમાં કોરોનાનો કેસ મળે તો બાકીના ક્ષેત્રને બફર ઝોન તરીકે ઓળખવામાં આવશે. એ ક્ષેત્રમાં કન્ટેઇનમેન્ટ ઑફિસરના માર્ગદર્શનમાં મર્યાદિત અવરજવરની છૂટ આપી શકાય. મુંબઈમાં કન્ટેઇનમેન્ટ એરિયાની સંખ્યા ૨૫૦ છે અને એમાં વરલી કોલીવાડા, ધારાવી, દહિસર અને વાલ્મિકી નગર જેવી ઝૂંપડપટ્ટી વસાહતોનો પણ સમાવેશ છે. એ ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીઓમાં ખીચોખીચ બંધાયેલી નાનકડી ઓરડીઓમાં રહેતા લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની મોટી મુશ્કેલી છે. પાલિકાના સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરમાં એ વિસ્તારો માટે કોઈ સ્પષ્ટ નીતિના અભાવે વૉર્ડ સ્તરે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવાતા હોવાનું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

prajakta kasale mumbai mumbai news coronavirus worli brihanmumbai municipal corporation