થાણેમાં સામાજિક અંતરનું પાલન ન કરતી ખાણીપીણીની દુકાનો પાલિકાએ સીલ કરી

16 September, 2020 04:05 PM IST  |  Mumbai | Mehul Jethva

થાણેમાં સામાજિક અંતરનું પાલન ન કરતી ખાણીપીણીની દુકાનો પાલિકાએ સીલ કરી

સીલ દુકાન

થાણે પાલિકાએ આપેલી ગાઇડલાઇન્સનું પાલન ન કરતી ૧૦ દુકાનો પાલિકાએ સીલ કરી છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ તમામ દુકાનો ખાણીપીણીની છે. તેઓને માત્ર પાર્સલ આપવાનો નિયમ છે છતાં તેઓ દુકાનની બહાર લોકોને ખાવા માટે ફૂડ આપે છે. એ ઉપરાંત મોડે સુધી ખુલ્લી પણ રાખે છે. એને ધ્યાનમાં લેતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લૉકડાઉન બાદ વેપારીઓની હાલત દિવસે-દિવસે ખરાબ થતી જાય છે, જેમાં પાલિકાની અને સરકારની ગાઇડલાઇન્સ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. સોમવારે રાતે થાણેમાં તલાવ પાળી વિસ્તારમાં આવેલી ખાણીપીણીની ૧૦ દુકાનો પાલિકાએ કડક કાર્યવાહી કરીને સીલ કરી દીધી હતી. જોકે એને જોતાં થાણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પાલિકાની ઑફિસમાં આ સંબંધે જતાં તેમને કહેવામાં આવ્યું કે હાલમાં તમામ દુકાનો બંધ જ રહેશે.

આ સંબંધે એક દુકાનધારક પ્રતીક મહેતાએ જણાવ્યું કે હાલમાં માત્ર પાંચ ટકા વેપાર રહી ગયો છે, જેમાં પાલિકા આવી કાર્યવાહી હાથ ધરશે તો અમારે દુકાનોને તાળાં મારવાનો વારો આવશે. પાલિકા અમારી કોઈ વાત માનવા જ તૈયાર નથી. ઘણી વાર દુકાનના અંદરના કામ માટે પણ દુકાન મોડે સુધી ખુલ્લી રાખવી પડે છે.’ થાણે પાલિકાના અતિક્રમણ વિભાગના અધિકારી પ્રસાદ પાલવે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હાલમાં કોરોનાની મહામારી વચ્ચે તેઓ પાલિકાના આદેશનું પાલન કરતા ન હોવાની અમારી પાસે ફરિયાદ આવી હતી, એના આધારે અમે કાર્યવાહી કરી છે. કુલ ૧૦ દુકાનને અમે સીલ કરી છે. આગળના આદેશ સુધી આ તમામ દુકાનો સીલ જ રહેશે.’

thane crime thane coronavirus covid19 lockdown mehul jethva brihanmumbai municipal corporation