થાણે રેલવે સ્ટેશને પ્રવાસીઓને બહાર નીકળતા બે કલાક લાગ્યા

26 November, 2020 07:28 AM IST  |  Mumbai | Mehul Jethva

થાણે રેલવે સ્ટેશને પ્રવાસીઓને બહાર નીકળતા બે કલાક લાગ્યા

થાણે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ગિરદી અને ચકાસણી માટેની લાંબી લાઈન.

ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને ગોવાથી મહારાષ્ટ્રમાં પ્રવેશતી દરેક વ્યક્તિની કોવિડ ટેસ્ટ કરવાના આદેશનો ગઈ કાલથી અમલ શરૂ થયો હતો. પહેલા દિવસે થાણે રેલવે સ્ટેશન પર બહારગામથી આવેલા લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્ય પ્રશાસન અને પાલિકા દ્વારા લોકોની ચકાસણી માટે પૂરતી તૈયારી ન કરી હોવાથી ટ્રેનમાંથી ઉતર્યા બાદ બહાર નીકળતા બેથી અઢી કલાક લાગ્યા હતા. આખા દિવસમાં હજારો પ્રવાસીઓ થાણે રેલવે સ્ટેશને ઉતર્યા હતા, પરંતુ માત્ર બે લોકોની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું હતું. ભીડને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો કામ ન આવ્યા.

બહારગામથી થાણે રેલવે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનમાંથી ઉતરનારા લોકોની ચકાસણી કરવાની વ્યવસ્થા થાણે મહાનગરપાલિકા દ્વારા કરાઈ હતી. મોડી બપોર સુધી ૭૦૦ મુસાફરોને ચકાસાયા હતા, એમાંથી બે લોકોને કોવિડનાં લક્ષણ જણાતાં તેમની ટેસ્ટ કરાતાં તેઓ પૉઝિટિવ આવતાં તેમને કોવિડ સેન્ટરમાં મોકલાયા હતા. જોકે આ ટેસ્ટ કરવામાં પૂરતી વ્યવસ્થા ન કરાઈ હોવાને લીધે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. સ્ટાફની કમીને કારણે સમય લાગ્યો હોવાનું બહાનું પાલિકાના અધિકારીઓ કાઢતા જોવા મળ્યા હતા.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા થાણે સ્ટેશન પર ડ્યુટી પર રહેલા ડૉ. રાહુલ શેળકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે સ્ટેશન પર બે મહિના પહેલાં અમે કોવિડ ટેસ્ટ કરી હતી. ૮૦,૦૦૦ લોકોની ટેસ્ટમાં ૩૩૫ લોકો કોવિડ પૉઝિટિવ આવ્યા હતા. આજે સવારથી બહારગામથી આવેલા પ્રવાસીઓની હાથ ધરાયેલી ચકાસણીમાં બે જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. તેઓને થાણેની હૉસ્પિટલમાં સારવાર માટે અૅડ્મિટ કરાયા છે.’

mumbai mumbai news thane central railway mehul jethva coronavirus covid19 lockdown