કોરોનાનો એક પૉઝિટિવ દર્દી મળતાં GRPના કર્મચારીઓ જોડે ભેદભાવભર્યું વર્તન

03 June, 2020 07:48 AM IST  |  Mumbai | Shirish Vaktania

કોરોનાનો એક પૉઝિટિવ દર્દી મળતાં GRPના કર્મચારીઓ જોડે ભેદભાવભર્યું વર્તન

છેડા નગર ક્વૉર્ટર્સનાં બે બિલ્ડિંગમાં મંત્રાલયના કર્મચારી અને અન્ય બેમાં જીઆરપીના કર્મચારીઓ રહે છે. તસવીર : રાજેશ ગુપ્તા

ઘાટકોપર-ઈસ્ટના પીડબ્લ્યુડી મેદાન પાસે છેડા નગરના રેસિડેન્શિયલ ક્વૉર્ટર્સમાં રહેતા મંત્રાલયના કર્મચારીઓએ તેમની વસાહતમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના કર્મચારીઓને આવતા રોકવા માટે બૅરિકેડ્સ ગોઠવ્યાં છે. જીઆરપીના કમિશનરે સોમવારે બૅરિકેડ્સ હટાવવાનો આદેશ આપ્યો છતાં મંગળવારે એ બૅરિકેડ્સ યથાવત હતાં. એક જ કમ્પાઉન્ડમાં મંત્રાલયના અને જીઆરપીના કર્મચારીઓ રહે છે, પરંતુ રેલવે પોલીસના એક જવાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી મંત્રાલયના કર્મચારીઓએ રેલવે પોલીસ તરફના ભાગને નોખો પાડવા માટે બૅરિકેડ્સ ગોઠવ્યાં હતાં. ત્યાર પછી મંત્રાલયના કર્મચારીઓએ રેલવે પોલીસના કર્મચારીઓને તેમનાં બિલ્ડિંગ્સ તરફ નહીં આવવા જણાવ્યું હતું. મંત્રાલયના કર્મચારીઓ જીઆરપીના બધા કર્મચારીઓને કોરોના ઇન્ફેક્શનના દર્દીઓ ગણે છે.

છેડા નગરના ગવર્નમેન્ટ ક્વૉર્ટર્સનાં પાંચ મકાનો છે એમાંથી બે મકાનો મંત્રાલયના કર્મચારીઓને અને બે મકાનો રેલવે પોલીસના કર્મચારીઓને ફાળવાયાં છે. એક મકાન ખાલી છે. બે મકાનોમાં જીઆરપીના ૨૦૦ કર્મચારીઓ તેમના પરિવાર સાથે રહે છે. મંત્રાલયના કર્મચારીઓએ કોરોના ઇન્ફેક્શનના જોખમનો ભય દર્શાવતાં તેમનાં મકાનો આઇસોલેટ કરી લીધાં છે. એ ઉપરાંત રેલવે પોલીસના જવાનો અને તેમના પરિવારના સભ્યો માટે ક્વૉર્ટર્સનો મેઇન ગેટ બંધ કરી દીધો છે.

સોમવારે સાંજે એક કૉન્સ્ટેબલની ફરિયાદ મળ્યા પછી જીઆરપીના કમિશનર રવીન્દ્ર શેણગાંવકરે જણાવ્યું હતું કે ‘મને કૉન્સ્ટેબલની ફરિયાદ મળ્યા પછી મેં અધિકારીઓને ઇન્સ્પેક્શન માટે ક્વૉર્ટર્સમાં મોકલ્યા હતા. ક્વૉર્ટર્સમાં બે ગેટ હોવાથી એક ગેટ બંધ કરાતાં રેલવે પોલીસના જવાનો બીજા ગેટનો ઉપયોગ કરી શકે છે. મંત્રાલયના કર્મચારીઓએ પાર્કિંગ એરિયા પણ અલગ કર્યો છે. પોલીસ જવાનો મેઇન ગેટનો ઉપયોગ ન કરે તો ચાલે એમ છે. અમે રહેવાસીઓને બૅરિકેડ્સ હટાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનો અનુરોધ કર્યો છે.’

જીઆરપીના જવાનો મેઇન એન્ટ્રી ગેટ અવરોધવાના પગલાને ગેરકાયદે ગણાવે છે. જીઆરપીના ફક્ત એક કર્મચારીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવતાં મંત્રાલયના કર્મચારીઓ રેલવે પોલીસના બધા જવાનો અને તેમના કુટુંબના સભ્યોને કોરોનાના દર્દીની માફક ગણે છે.

મુંબઈમાં વધુ એક પોલીસ-કર્મચારીનું મોત

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરનું કોરોનાને કારણે મંગળવારે નિધન થયું હતું. મુંબઈમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા પોલીસ-કર્મચારીઓનો આંક ૧૯ પર અને રાજ્યમાં ૨૯ પર પહોંચ્યો છે.

સાયનના ધારાવી-કોલીવાડાના કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા એપીઆઇને તાવ આવતાં અને અન્ય લક્ષણો દેખાતાં ગુરુવારે સાયન હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે તેમની તબિયત ત્યાર બાદ કથળી હતી અને મંગળવારે તેમણે સાયન હૉસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકોનો સમાવેશ છે.

mumbai mumbai news shirish vaktania ghatkopar coronavirus covid19 lockdown