મુંબઈ: ડૉક્ટરોને જ પગાર નહીં

12 August, 2020 08:15 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: ડૉક્ટરોને જ પગાર નહીં

છેલ્લા બે મહિનાથી ઘણા ડૉક્ટરોને પગાર નથી મળ્યો. પ્રતીકાત્મક તસવીર : અતુલ કાંબળે

પાલિકા દ્વારા સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોવિડ-19ની ફરજ પર હાજર થવા જણાવવામાં આવેલા ડૉક્ટરોમાંથી ૫૦ કરતાં વધુ ડૉક્ટરોને હજી સુધી તેમનો પગાર મળ્યો નથી.

આમાંના કેટલાક ડૉક્ટરો પ્રાઇવેટ હૉસ્પિટલમાં નોકરી કરતા હતા ત્યાં રજા મૂકીને આવ્યા છે, જ્યારે પોતાની પ્રાઇવેટ પ્રૅક્ટિસ છોડીને આવેલા કેટલાક ડૉક્ટરોને છેલ્લા બે મહિનાથી પગારના નામે કોઈ રકમ ચૂકવાઈ નથી. તેમને પગાર કોણ ચૂકવશે એ વિશે કોઈને કશી જાણકારી નથી.

૧૨ જૂનથી ૯ જુલાઈ સુધી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરોમાંના એક ડૉક્ટર હજી સુધી તેમના વેતનના લગભગ બે લાખ રૂપિયા મળવાની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં તેમને વેન્ડર રજિસ્ટ્રેશનનો ઇશ્યુ હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ તેમને બે હપ્તામાં વેતન ચૂકવાશે એવી બાંયધરી આપી હતી.
હોમિયોપથિક મેડિસિન ઍન્ડ સર્જરીમાં ડૉક્ટરની ડિગ્રી મેળવનાર અને ૧૨ જૂનથી સેવન હિલ્સ હૉસ્પિટલમાં કામ કરી રહેલા અન્ય એક ડૉક્ટરે જણાવ્યું હતું કે આ હૉસ્પિટલમાં ફરજ પર હાજર થવા તેમણે કાંદિવલીનું તેમનું ક્લિનિક બંધ કરી દીધું હતું. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અંગત ખર્ચ ઉપરાંત મારે ક્લિનિકનું ૨૪,૦૦૦ રૂપિયાનું ભાડું પણ ચૂકવવાનું હોય છે. એ ઉપરાંત ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હોવાથી મારે પરિવારના નિભાવ માટે પણ વેતનની આવશ્યકતા છે. બીએમસીએ મને બે મહિનાના બે લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે.

પુણેના ૨૮ વર્ષના એક જનરલ સર્જ્યન સહિત કેટલાક ડૉક્ટરોએ તેમનાં માતાપિતા અને પરિવારજનોએ ના પાડી હોવા છતાં સ્વૈચ્છિક રીતે સેવા આપી હતી.

એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે સેવન હિલ્સ હૉસ્પિટલમાં ૧૦૮માંથી માત્ર ૫૮ ડૉક્ટરો ફરજ પર હાજર થયા હતા. નિયમાનુસાર બીએચએમએસ ડૉક્ટરોને મહિનાના ૬૦,૦૦૦ રૂપિયા, એમબીબીએસ ડૉક્ટરોને ૮૦,૦૦૦ રૂપિયા અને એમડી ડૉક્ટરોને ૨,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવવાના બાકી છે.

lockdown coronavirus covid19 guide mumbai mumbai news arita sarkar