મુંબઈ : સેકન્ડ વેવની શક્યતા બાદ સુધરાઈએ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું

20 November, 2020 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : સેકન્ડ વેવની શક્યતા બાદ સુધરાઈએ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું

કાંદિવલીની પોઇસર માર્કેટમાં ઍન્ટિજન ટેસ્ટ કરતા સુધરાઈના હેલ્થ વર્કર. તસવીર : સતેજ શિંદે

દિવાળીમાં ટેસ્ટની સંખ્યા ઘટાડ્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ટેસ્ટિંગનું પ્રમાણ વધાર્યું છે અને મંગળવારે ૧૧,૪૯૩ ટેસ્ટ હાથ ધરાઈ હતી. માસ ટેસ્ટિંગ તરીકે વપરાતા ઍન્ટિજન ટેસ્ટની સંખ્યા આરટી-પીસીઆર ટેસ્ટ કરતાં વધારે છે. સાથે જ કૉર્પોરેશને કોરોના મહામારીના બીજા રાઉન્ડની સંભવિતતાને પગલે ટેસ્ટિંગ માટે નવાં ૨૪૪ કેન્દ્રો પણ શરૂ કર્યાં છે.

ઑક્ટોબરમાં દરરોજ સરેરાશ ૧૩,૧૪૫ ટેસ્ટ હાથ ધરાઈ હતી. દિવાળી દરમ્યાન આ સંખ્યા ઘટીને દૈનિક ૫૦૦૦ જેટલી થઈ હતી, પરંતુ, દિવાળી બાદ બીએમસી કોરોનાના સેકન્ડ વેવની શક્યતાને પગલે સતર્ક બની ગયું છે.

મંગળવારે ટેસ્ટની સંખ્યા બેવડાઈ હતી. શહેરભરમાં આશરે ૧૧,૪૯૩ ટેસ્ટ હાથ ધરાઈ હતી, જેમાંથી લગભગ ૬૫૦૦ ઍન્ટિજન ટેસ્ટ અને ૫૦૦૦ આરટી-પીસીઆર ટેસ્ટ હતી. ટીપીઆર (ટેસ્ટ પૉઝિટિવિટી રેટ) ઘટીને ૭.૬ ટકા નોંધાયો હતો. ઍન્ટિજન ટેસ્ટનો ટીપીઆર આરટી-પીસીઆરના ત્રીજા ભાગ જેટલો છે ત્યારે માસ ટેસ્ટિંગમાં અડધો કલાકમાં જ સંક્રમણ વિશે જાણકારી મેળવવામાંત એ ઉપયોગી થાય છે.

દિવાળી બાદ લોકો કામ કરવા માટે પાછા ફરી રહ્યા છે ત્યારે તેમને કારણે ચેઇન-ઇન્ફેક્શનના ભયને લઈને બીએમસીએ ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે સમગ્ર શહેરમાં ૨૪૪ કેન્દ્રો શરૂ કર્યાં છે. કેસની વહેલી તકે જાણ થાય એ માટે કૉર્પોરેશને ફ્રન્ટલાઇન વર્કર્સ અને હૉસ્પિટલોના સહાયક સ્ટાફની સાથે-સાથે દુકાનદારો, ફેરિયા, બસ-કન્ડક્ટર્સનું ટેસ્ટિંગ પણ શરૂ કર્યું છે એમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું.

lockdown coronavirus mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale