કોરોનાના પ્રસારની તપાસ માટે મુંબઈના 227 વૉર્ડ્સમાં ફ્લાઇંગ સ્ક્વૉડ્સ

01 April, 2020 10:09 AM IST  |  Mumbai | Agencies

કોરોનાના પ્રસારની તપાસ માટે મુંબઈના 227 વૉર્ડ્સમાં ફ્લાઇંગ સ્ક્વૉડ્સ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાના પ્રસારની તપાસ માટે મુંબઈ મહાનગરપાલિકાના ૨૨૭ વૉર્ડ્સમાં ફ્લાઇંગ સ્ક્વૉડ્સ રચીને સક્રિય બનાવવામાં આવી હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. મુંબઈમાં વસ્તીની ઘનતા (એક ચોરસ કિલોમીટરમાં રહેતા લોકોની સંખ્યા) સૌથી વધારે હોવાથી આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. સોમવારે સાંજે મુખ્ય પ્રધાને મુંબઈ મહાનગરપાલિકાના અમલદારો અને વૉર્ડ ઑફિસર્સ (અસિસ્ટન્ટ કમિશનર્સ) જોડે વિડિયો કૉન્ફરન્સિંગમાં સંવાદ બાદ ગઈ કાલે જાહેર કરવામાં આવેલા પ્રસાર માધ્યમો માટેના બયાનમાં ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાનના બયાનમાં જણાવવામાં આવ્યું હતું કે ‘વરલી કોલીવાડા વિસ્તારને ‘કન્ટેઇનમેન્ટ એરિયા’ જાહેર કરીને ત્યાંના લોકોને બહાર ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ રીતે વધુ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવશે તો વાઇરસનો પ્રસાર રોકવા માટે આરોગ્ય ખાતાના અધિકારીઓનો પરિશ્રમ વધી જશે. મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે અને વાઇરસનો પ્રસાર રોકવો અનિવાર્ય છે. એથી ફ્લાઇંગ સ્ક્વૉડ્સ તાત્કાલિક સક્રિય થાય અને સર્વેક્ષણ તાત્કાલિક શરૂ થાય એ જરૂરી છે. દરેક સ્ક્વૉડમાં એક વાહન, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ અને મહેસૂલ ખાતાના અધિકારીઓ તથા મેડિકલ અસિસ્ટન્ટ રહેશે. એ ફ્લાઇંગ સ્ક્વૉડનું કામ કોરોના વાઇરસના દરદીઓને પારખવા, તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓની માહિતી મેળવવી, કોઈ પણ દરદીમાં તાવ, ખાંસી, શરદી, ન્યુમોનિયા જેવાં લક્ષણો જણાય તો એની નોંધ લઈને સારવાર શરૂ કરાવવી વગેરે કામગીરી સંભાળવાની રહેશે.’

ઉદ્ધવ ઠાકરેએ લોકોને જરૂરિયાત ન હોય તો બહાર નહીં નીકળવાની તાકીદ કરતાં જણાવ્યું હતું કે ‘લોકો કારણ વગર ઘરની બહાર નીકળશે તો આવશ્યક વસ્તુઓની દુકાનો ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય બદલવાની ફરજ પડશે. મહાનગરપાલિકાએ પ્રાઇવેટ ડૉક્ટરોને પ્રૅક્ટિસ ફરી શરૂ કરવા સમજાવવા જોઇએ. એ ઉપરાંત સરકારી તંત્રો ઉપરાંત સમાજના તમામ વર્ગોએ વૃદ્ધ નાગરિકોની વિશેષ કાળજી રાખવી જોઈએ.’

mumbai mumbai news coronavirus covid19