જો સમયસર સારવાર મળી હોત તો મારા પપ્પા બચી ગયા હોત

27 May, 2020 10:15 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જો સમયસર સારવાર મળી હોત તો મારા પપ્પા બચી ગયા હોત

મૃતક સૂર્યજી કદમ

મુલુંડમાં સેવાનિવૃત્ત પાલિકા અધિકારીનું કોરોનાની સમયસર સારવાર ન મળવાથી મૃત્યુ થયું છે. આ ઘટના પછી પણ પાલિકાના અધિકારી ઘરમાં રહેતા લોકોની કોરોના ટેસ્ટ કરવા નથી આવ્યા. આ ઘટના બાદ મૃતક સૂર્યજી સદાશિવ કદમની દીકરી કહે છે, જો મારા પપ્પાને સમયસર સારવાર મળી હોત તો તેઓ આજે જીવતા હોત.

મુલુંડ અમરનગર વિસ્તારમાં સૂર્યજી સદાશિવ કદમનો બુધવારે કોરોના પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ વધુ ઇલાજ માટે તેમના ઘરના લોકો અને સ્થાનિક નાગરિક તરફથી પાલિકાના અધિકારી અને સ્થાનિક નગરસેવકને વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક નગરસેવક અન્ય કામમાં વ્યસ્ત હોવાથી તેમને પોતાની કારમાં હૉસ્પિટલ લઈ જવા કહ્યું હતું. એ સાથે પાલિકાના ડૉક્ટરે પણ આવો જ જવાબ આપ્પો હતો કે મોટી હૉસ્પિટલોમાં જગ્યા નથી.

કોરોના પૉઝિટિવ આવ્યાના બે દિવસ બાદ સૂર્યજી સદાશિવ કદમને પોતાનાં સગાંસંબંધીએ પ્રાઇવેટ ટૅક્સીમાં સેવેન હિલ્સ હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સોમવારે સાંજના તેમણે દમ તોડ્યો હતો. આ ઘટના માટે ઘરના સભ્યો પાલિકાને જવાબદાર ગણાવે છે.

આ સંબંધે સૂર્યજી કદમની પુત્રી વર્ષા કદમ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મારા પપ્પા મુલુંડ ‘ટી’ વૉર્ડમાં કાર્યરત હતા. તેઓ બચી ગયા હોત જો પાલિકા અને સ્થાનિક નગરસેવક તેમને ઍમ્બ્યુલન્સમાં ઇલાજ માટે હૉસ્પિટલમાં લઈ ગયા હોત. મારી મમ્મી જેની ઉંમર ૬૦ છે તે પણ મારા પપ્પાના સંપર્કમાં આવી હતી. પાલિકાના અધિકારી હજી સુધી મારી કે મારી મમ્મીની કોરોના ટેસ્ટ કરવા નથી આવ્યા. પાલિકા શું અમારા મોતની પણ રાહ જોઈ રહી છે?’
‘ટી’ વૉર્ડના હેલ્થ ઑફિસર મહેન્દ્ર શિગળાપુરકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના ફૅમિલી મેમ્બરની પણ ટેસ્ટ થશે.

આ સંબંધે સ્થાનિક નગરસેવક નિલ સોમૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘પાલિકાનું એવું ધોરણ છે કે જો હાઇરિકસ કૉન્ટૅક્ટસ હોય અને તેમને સિસ્ટમ્સ દેખાતા હોય તો તે લોકો પાલિકાના સેન્ટરમાં ટેસ્ટ કરાવવા જઈ શકે છે. ત્યાં તે લોકોની ટેસ્ટ થઈ તેમને રિપોર્ટ પણ મળી જશે.’

mumbai mumbai news mulund coronavirus covid19