ડબ્બાવાળાઓએ બદલ્યું કામ, કોઈ રિક્ષા તો કોઈ દૂધ વેંચીને ચલાવે છે ગુજરાન

16 September, 2020 04:04 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ડબ્બાવાળાઓએ બદલ્યું કામ, કોઈ રિક્ષા તો કોઈ દૂધ વેંચીને ચલાવે છે ગુજરાન

ફાઈલ તસવીર

મુંબઈમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની પરમિશન ડબ્બાવાળાઓને હજી સુધી મળી નથી, જેથી ડબ્બાવાળાઓમાંથી કોઈ પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે તો કોઈ દૂધ વેંચે છે તો કોઈ માળીનું કામ કરે છે. મુંબઈમાં અંદાજે ૫૦૦૦ ડબ્બાવાળાઓ છે, જેઓ લૉકડાઉન પહેલાં રોજના અંદાજે બે લાખ જેટલાં ટિફિન ડિલિવર કરતાં હતાં. આટલાં વર્ષોમાં પહેલી વખત આટલા લાંબા સમય સુધી ડબ્બાવાળાઓનો ધંધો બંધ રહ્યો છે. જોકે ડબ્બાવાળાઓનું કહેવું છે કે અમને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની પરમિશન આપો અથવા અમને દર મહિને ૪થી ૫૦૦૦ રૂપિયા ગવર્નમેન્ટ આપે, જેથી અમારું ગુજરાન ચલાવવું સરળ બને.

છ મહિનાથી કામકાજ બંધ હોવાથી પરિસ્થિતિ બહુ વિકટ થઈ ગઈ છે, એમ કહેતાં મુંબઈ ડબ્બાવાળા અસોસિએશનના પ્રેસિડન્ટ સુભાષ તળેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની સરકારે અસંગઠિત કામગારોને મે મહિનામાં ૨૦૦૦ રૂપિયા આપ્યા. ઑગસ્ટ મહિનામાં ૩૦૦૦ રૂપિયા તેમને મળ્યા હતા ત્યારે ડબ્બાવાળાઓને પણ દર મહિને ૩થી ૪૦૦૦ રૂપિયા અનુદાન આપવું જોઈએ અથવા તો લોકલ ટ્રેન ચાલુ કરો અને ટ્રેન ચાલુ ન કરવી હોય તો ફક્ત ડબ્બાવાળાની સેવાને અત્યાવશ્યક સેવા ગણીને તેઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની પરમિશન આપો, જેથી ડબ્બાવાળાઓ પોતાનો વ્યવસાય તો ચાલુ કરી શકે.

છ મહિનાથી ડબ્બાવાળાનો વ્યવસાય બંધ છે, જેથી ઘરખર્ચ કાઢવા માટે બજાજ ફાઇનૅન્સ પર મેં રિક્ષા જૂન મહિનામાં ખરીદી અને હાલમાં રિક્ષા ચલાઉં છું, એમ કહેતાં રોહિદાસ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ ઘરના ખર્ચા નીકળવા મુશ્કેલ થઈ ગયા છે. રિક્ષા ચલાવીને જેમ-તેમ કરી ખાવા પૂરતો ખર્ચ નીકળી જાય છે.’ ૨૧ વર્ષથી ડબ્બાવાળા તરીકે સર્વિસ આપતા વિલાસ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કામચલાઉ હું સવાર-સાંજ દૂધ આપવા જાઉં છું, જેથી ઘરનો થોડોઘણો ખર્ચો નીકળી શકે. ૪૦ ઘરે દૂધ વેંચવા જાઉં છું. મુશ્કેલીથી ૬થી ૭૦૦૦ રૂપિયા મળે છે. મારાં બે બાળકો છે. એક દસમા ધોરણમાં અને બીજો આઠમા ધોરણમાં ભણે છે. જોકે બાળકોના અભ્યાસ ઑનલાઇન થઈ ગયા હોવાથી તેઓને અભ્યાસ કરવા મોબાઇલની જરૂર પડે છે. હવે મોબાઇલ પણ ૧૦થી ૧૫,૦૦૦ રૂપિયા સુધી મળે. ઉપરથી ઇન્ટરનેટના ખર્ચાઓ. આ બધા ખર્ચાઓને પહોંચી વળવું મુશ્કેલ થઈ ગયું છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown