મુંબઈ: એપીએમસીની કાંદા-બટાટા ‌‌માર્કેટને જોખમી જાહેર કરાઈ‌‌

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: એપીએમસીની કાંદા-બટાટા ‌‌માર્કેટને જોખમી જાહેર કરાઈ‌‌

એપીએમસી માર્કેટ

નવી મુંબઈની એપીએમસી માર્કેટની કાંદા-બટાટા માર્કેટને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને જોખમી જાહેર કરીને એને સી-1 કૅટેગરીમાં મૂકી છે. એથી એ માર્કેટને આખી તોડી પાડીને નવી બનાવવી પડે એમ છે. વેપારીઓ દ્વારા વચલો માર્ગ કાઢી તેમને પણ નુકસાન ન થાય અને રિપેરિંગ થઈ જાય એવી એપીએમસીના નવા ચૂંટાયેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રજૂઆત કરાઈ છે. દાણાબજારમાં પણ ૩૦ વર્ષ જૂના શેડ છે, પણ ત્યાં હજી હાલત એટલી ખરાબ નથી. સમારકામ કરીને ઇલેક્ટ્રિકનું કામ કરવાનું છે અને રસ્તાનું પણ કામ કરવાનું છે એ માટે રજૂઆત કરાઈ છે, એમ ગ્રોમાના ડિરેક્ટર નીલેશ વીરાએ જણાવ્યું હતું.

આ વિશે ‘મિડ-ડે’એ જ્યારે એપીએમસીના અધ્યક્ષ અશોક ડાકનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે હાલમાં એપીએમસીની પાંચે માર્કેટો દાણાબજાર, મસાલા માર્કેટ, ભાજીપાલા માર્કેટ, કાંદા-બટાટા માર્કેટ અને ફ્રૂટ માર્કેટની મુલાકાત લીધી હતી અને વેપારીઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઉપરોક્ત બાબત વિશે પણ વાત થઈ છે. આવતા બુધવારે અથવા ગુરુવારે અમે આ સંદર્ભે વેપારીઓ એનએમએમસીના અધિકારીઓ સાથે બેઠક કરવાના છીએ. કાંદા-બટાટા માર્કેટનું બિલ્ડિંગ પણ નવું કરવું પડે એમ છે, વેપારીઓને ગાળા પણ બરાબર મળવા જોઈએ એથી આ બધી બાબતોની ચર્ચા કરી વહેલી તકે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવીશું. આ માટે અમે દરેક માર્કેટના ઉપસચિવ, બાંધકામ વિભાગ, સ્વચ્છતા વિભાગ અને અભિયાંત્રિક વિભાગ (એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ)ની સાથે પણ બેઠકો કરીશું. વેપારીઓનાં પણ જે સૂચનો આવ્યાં છે એને ધ્યાનમાં રાખીને ઉકેલ કાઢવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown apmc market