કોરોનાનો અસર: બીએમસીની ઊંઘ હરામ કરી છે બાંદરાના બહેરામપાડાએ

08 April, 2020 07:40 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોનાનો અસર: બીએમસીની ઊંઘ હરામ કરી છે બાંદરાના બહેરામપાડાએ

બહેરામપાડામાં ઘરે નમાજ પડતા લોકો. તસવીર: પ્રદીપ ધિવાર

કોરોના વાઇરસના રોગચાળાને કારણે વરલીમાં કોલીવાડા અને જિજામાતા નગર પછી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના કેટલાક વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયા પછી હવે બાંદરાનું બહેરામપાડા ચિંતાનો વિષય બન્યું છે. બાંદરા-ઈસ્ટમાં હાર્બરલાઇનને અડીને આવેલા લગભગ ૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા બહેરામપાડામાં ૬૦ વર્ષથી વધારે ઉંમરના દરદીને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સ્થાનિક નગરસેવક હાજી ખાને જણાવ્યું હતું કે ‘એ દરદીને અસ્થમાની વ્યાધિ પણ છે. દરદીના બે કુટુંબીજનોને પણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓ એ દરદીના ટેસ્ટ રિપોર્ટ્સની રાહ જુએ છે. મેં આ વિસ્તારના બધા નાગરિકોને ઘરમાં રહેવાનો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કર્યો છે. એ ઉપરાંત મેં તમામ વૉટ્સઍપ-ગ્રુપમાં મેસેજ મોકલીને દિલ્હીના તબ્લિગી જમાત મર્કઝમાં જઈ આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાનો અનુરોધ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ આવ્યું નથી.’

ઝૂંપડપટ્ટીઓમાં કોરોનાના કેસ મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. બાંદરા-ઈસ્ટ અને સાંતાક્રુઝ-ઈસ્ટનો સમાવેશ કરતા પાલિકાના એચ-ઈસ્ટ વૉર્ડમાં ૪ એપ્રિલ સુધીમાં કોરોના ઇન્ફેક્શનના ૧૮ દરદીઓ નોંધાયા છે, પરંતુ ત્યાર પછીના બે દિવસમાં ૧૩ વધુ દરદીઓ ઉમેરાયા છે. એ દરદીઓમાં બાંદરા-ઈસ્ટના મ્હાડા મુખ્યાલય અને કલાનગર પાસે રસ્તા પર ચાનો ખૂમચો ચલાવનારનો પણ સમાવેશ છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો માતોશ્રી બંગલો કલાનગરમાં હોવાથી તેમનો સિક્યૉરિટી સ્ટાફ ચા પીવા માટે એ સ્ટૉલ પર જતો હતો એથી મુખ્ય પ્રધાનના સિક્યૉરિટી સ્ટાફને ક્વૉરન્ટીન માટે મોકલવામાં આવ્યો છે.

mumbai mumbai news dharavi bandra coronavirus brihanmumbai municipal corporation prajakta kasale covid19 tablighi jamaat