ડોમેસ્ટિક હેલ્પને બોલાવો તો પછી તે તમારા ઘરમાં રહે એ‍વી વ્યવસ્થા કરો

23 June, 2020 11:29 AM IST  |  Mumbai | Hemal Ashar

ડોમેસ્ટિક હેલ્પને બોલાવો તો પછી તે તમારા ઘરમાં રહે એ‍વી વ્યવસ્થા કરો

ફાઈલ તસવીર

દક્ષિણ મુંબઈના બ્રીચ કૅન્ડી, નેપિયન સી રોડ અને મલબાર હિલ તથા આસપાસના વિસ્તારોના વ્યાપક રહેવાસીઓએ ડી-વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત ગાયકવાડ સાથે વિડિયો કૉલ મીટિંગમાં ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી રહી છે.

નેપિયન સી રોડ સિટિઝન્સ ફોરમના મુકુલ મેહરાએ વિડિયો ચૅટ પર આ મીટિંગ શરૂ કરી હતી, જેમાં ૧૦૦ કરતાં વધુ લોકો સામેલ થયા હતા.

મેહરાએ જણાવ્યું હતું કે ‘અમે એક જ બિલ્ડિંગમાં ૧૦થી ૧૨ લોકો સંક્રમિત થયા હોવાનું જોયું છે. કેટલીક હાઉસિંગ સોસાયટીઓએ અનલૉકિંગના પ્રથમ તબક્કામાં લાપરવાહી કરી છે. આપણે જવાબદારી ઉઠાવવી પડશે. મામલો આજે આપણા હાથમાં છે.’

ગાયકવાડે વિડિયો કૉલમાં લોકોને જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં નગણ્ય અને ગણ્યાગાંઠ્યા કેસો હતા એના સ્થાને આજે આશરે ૩૦૦ જેટલા કેસ છે. રહેણાક બિલ્ડિંગોમાં આશરે ૩૦ ટકા કેસો ડોમેસ્ટિક હેલ્પ, હાઉસકીપિંગ અને સિક્યૉરિટી સ્ટાફને કારણે થયા હોય એ શક્ય છે. તમારા ડોમેસ્ટિક સ્ટાફે પણ આ માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. જો તમે તેને કામ પર બોલાવો તો તે તમારા ઘરમાં જ રહે એવો પ્રયત્ન કરો. તેમણે તમારી સાથે તમારા ઘરની અંદર જ રહેવું પડશે. કેટલાક સ્થાનિક લોકો જૂથમાં ચાલવા નીકળે છે અને જૉગિંગ કરે છે. આવું ન થવું જોઈએ. યાદ રાખો કે આગામી જુલાઈ મહિનો અત્યંત ગંભીર છે, કારણ કે ત્યારે વરસાદ પુરજોશમાં વરસતો હશે. એ મલેરિયા અને ડેન્ગી જેવી બીમારીઓ નોતરશે, જેનાં લક્ષણો કોવિડ-19 જેવાં જ છે. જ્યારે બિલ્ડિંગનો સમગ્ર ફ્લોર સીલ કરવામાં આવે ત્યારે તમારે જોવું પડશે કે ત્યાંથી કોઈ બહાર ન જાય કે કોઈ એ ફ્લોરનો ઉપયોગ ન કરે. અમને ફરિયાદો મળી રહી છે કે રહેવાસીઓ આ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે.’

પ્રવેશદ્વાર પાસે જ સ્ટાફનું સ્ક્રીનિંગ કરો. નોકરને ઘરે જ રાખો. તેમ જ ડ્રાઇવર કે નોકરની ટેસ્ટ પણ કરાવો.
- પ્રશાંત ગાયકવાડ, ડી-વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર

south mumbai mumbai news coronavirus covid19 lockdown breach candy malabar hill ms hemal ashar