મુંબઈ: એસટી બસના ડ્રાઇવરોની હાલત કફોડી

21 May, 2020 08:06 AM IST  |  Mumbai | Ranjeet Jadhav, Ashish Rane

મુંબઈ: એસટી બસના ડ્રાઇવરોની હાલત કફોડી

લોક ડાઉનને વચ્ચે સતત નૉન-સ્ટૉપ બસ હાંકનારા ડ્રાઇવરોનું કહેવું છે કે સરકારે એમના ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. તસવીર: રાણે આશિષ

થાણે અને કલ્યાણ ફાંટાથી મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશની બૉર્ડરની મુસાફરી ખેડનારા લોકો માટે એસટી બસો જીવાદોરી સમાન બની છે. જોકે એક હકીકત બહાર આવી છે કે નૉન-સ્ટૉપ ૭૦૦ કિલોમીટર બસ હંકારતા ડ્રાઇવરોને તંત્ર દ્વારા પૂરતું ભોજન આપવામાં આવતું નથી.

સોમવારે મુંબઈ-નાશિક હાઇવેની મુલાકાત દરમિયાન ‘મિડ-ડે’ને જાણવા મળ્યું હતું કે ‘સ્થળાંતરિત મજૂરોના પરિવહન માટે મહારાષ્ટ્રના વિવિધ એસટી ડેપોથી એમએસઆરટીસીની ૧૦૦ કરતાં વધુ બસો આવી હતી. આ સ્થળાંતરિતોને ઘણા એનજીઓ અને સામાજિક કાર્યકરો ભોજન-પાણી પૂરાં પાડે છે, જ્યારે એમએસઆરટીસીના ડ્રાઇવરો ભોજન વિનાના રહી જાય છે. મરાઠવાડાના એક બસ-ડ્રાઇવરે જણાવ્યું હતું કે ‘અમે અમારી ફરજ બજાવી રહ્યા છીએ, કારણ કે અમે આ સ્થળાંતરિતોની પીડા સમજી શકીએ છીએ. જોકે અમે ફક્ત એટલું ઇચ્છીએ છીએ કે અમને મુસાફરી માટે પૂરતાં ખોરાક-પાણી આપવામાં આવે.’

મોટા ભાગના ઢાબા બંધ હોવાથી ડ્રાઇવરો ભોજન ખરીદી શકતા નથી. કેટલાક ડેપો પર તેમને બિસ્કિટ અને પાણીની બૉટલ મળી જાય છે. જો કોઈ એનજીઓ ભોજન ઑફર કરે તો તેઓ લઈ લે છે. આ સિવાય ખોરાકનો કોઇ સ્રોત હોતો નથી. કેટલાક ડ્રાઇવરો માસ્ક, ગ્લવ્ઝ અને સૅનિટાઇઝર્સ વિના કામ કરે છે.

ranjeet jadhav mumbai mumbai news coronavirus nashik covid19