હવે બીએમસીનું નવું ફોકસ છે, શાકભાજીના ફેરિયાઓ અને ગ્રોસરી શૉપવાળા

28 July, 2020 07:07 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

હવે બીએમસીનું નવું ફોકસ છે, શાકભાજીના ફેરિયાઓ અને ગ્રોસરી શૉપવાળા

વેજિટેબલ્સ અને ગ્રોસરી લેવા દરરોજ નીકળતા લોકો કોરોનાની ઝપટમાં ન આવે એના પ્રિકૉશનરૂપે ફેરિયા-દુકાનદારોની ઍન્ટિજન-ટેસ્ટ થઈ રહી છે

દહિસરમાં ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ નોંધાયા હતા. સ્લમ વિસ્તારોમાં કોરોના પર નિયંત્રણ આવી રહ્યું છે, જ્યારે બિલ્ડિંગોમાં કેસ વધી રહ્યા છે. મોટા ભાગના લોકો માર્કેટમાં જતા હોય છે અને વેન્ડર્સને કારણે કોરોના ન ફેલાય એના પ્રિકૉશનરૂપે એક પછી એક માર્કેટ-એરિયામાં વેન્ડરોની રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહી છે. દહિસરમાં કોરોનાના કેસ ઝીરો કરવા ‘આર’ નૉર્થ વૉર્ડનાં ઑફિસર સંધ્યા નાંદેરકરે ‘મિડ-ડે’ને આ મુજબની સ્ટ્રૅટેજી કહી હતી...

આઇસી કૉલોની માર્કેટ

રહેવાસીઓની સાથે માર્કેટ-એરિયામાં બેસતા શાકભાજીવાળાઓ અને ગ્રોસરી વેન્ડરોની પણ કોરોના-ટેસ્ટ કરવામાં આવી રહી છે. શનિવારે આઇસી કૉલોનીના માર્કેટ-એરિયામાં ૯૩ વેન્ડર્સની રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી કોઈ વેન્ડર પૉઝિટિવ મળ્યો નહોતો. ગઈ કાલે ઈસ્ટના સ્ટેશન-પરિસરના માર્કેટ-એરિયામાં પણ પંચાવન વેન્ડર્સની રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી કોઈ વેન્ડર પૉઝિટિવ મળ્યો નહોતો. રોજ એક પછી એક માર્કેટ-પરિસર લઈને કોરોનાની ટેસ્ટ કરીશું, જેથી જે કોઈ વેન્ડરમાં લક્ષણો દેખાય કે પૉઝિટિવ મળી આવે તો તરત જ તેને સારવાર આપી શકાય અને સાથે કોરોનાને ફેલાતો પણ અટકાવી શકાય.

હાઉસ ટુ હાઉસ સર્વે

જે સોસાયટીમાંથી વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે એવી સોસાયટીઓને પહેલાં ટાર્ગેટ કરીને એને સીલ કરી દઈએ છીએ, જેથી એનું ઇન્ફેક્શન અન્ય કોઈ સોસાયટીમાં ન લાગે. એને ૧૪ દિવસ માટે સીલ કરી દઈએ છીએ. અત્યાર સુધીમાં ૭૮૬ બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૫૯પ બિલ્ડિંગને રિલીઝ કરી દેવામાં આવ્યાં છે અને ૨૦૦ જેટલાં બિલ્ડિંગ હજી સીલ્ડ છે.

ડેઇલી પાંચ બિલ્ડિંગમાં મેડિકલ કૅમ્પ

બિલ્ડિંગોમાં દરરોજ મેડિકલ કૅમ્પ લગાડવામાં આવે છે, જેમાં આખેઆખી બિલ્ડિંગના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં સસ્પેક્ટેડ કેસ મળી આવે તો એનું સ્વૅબ લઈને તેને આઇસોલેટ કરીએ છીએ અને રિઝલ્ટ પૉઝિટિવ આવે તો દરદીને તરત ઍડ્મિટ કરી દેવામાં આવે છે અને નેગેટિવ આવે તો છુટ્ટી આપી દેવામાં આવે છે.

સોસાયટીઓને ગાઇડલાઇન આપી

અમે સોસાયટીઓને ગાઇડલાઇન પણ આપી છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય. ડૂ ઍન્ડ ડોન્ટનાં પોસ્ટરો પણ બિલ્ડિંગોમાં આપવામાં આવ્યાં છે.

આ બાબતે ‘આર’ નૉર્થના હેલ્થ ઑફિસર અવિનાશ વાયદંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં કુલ ૨૫૨૦ કોરોના-પૉઝિટિવ કેસ છે, જેમાંથી ૧૬૯૦ જેટલા કેસ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને ૨૦૩ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ૬૨૭ કેસ અન્ડર-ટ્રીટમેન્ટ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ મળી આવ્યા હતા. હાલમાં કોરોનાનો ડબલિંગ રેટ ૬૨ દિવસનો છે. દહિસરમાં મિશન ઝીરો અંતર્ગત સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, વેજિટેબલ વેન્ડર્સની ટેસ્ટિંગ પર વધારે જોર આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોએ શું કરવું અને શું ન કરવું એ બાબતે પણ પોસ્ટર દ્વારા જાગ્રત કરવામાં આવી રહ્યા છે.

coronavirus covid19 lockdown dahisar urvi shah-mestry mumbai news mumbai brihanmumbai municipal corporation