કોરોના વાઈરસનો ભય: દુકાનો ખોલવી કે નહીં?

28 May, 2020 07:27 AM IST  |  Mumbai | Gaurav Sarkar

કોરોના વાઈરસનો ભય: દુકાનો ખોલવી કે નહીં?

ચેમ્બુરમાં એન.જી.આચાર્ય માર્ગ નજીક દુકાનો બંધ

ઓનલાઇન ખરીદીને કારણે રીટેલ દુકનદારોનો ધંધો જોખમમાં મુકાઈ રહ્યો છે. ૬૦ દિવસથી લૉકડાઉન ખતમ થવાની રાહ જોતા છૂટક દુકાનદારોની ધીરજનો અંત આવી રહ્યો છે. એમાંથી મોટા ભાગના હવે કોરોના વાઇરસ કાયમી મહેમાન હોવાનું સ્વીકારી ચૂક્યા છે. તેઓ એમની દુકાનો હવે વહેલી તકે શરૂ થાય એવી અપેક્ષા રાખે છે, પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોન્સ અને કોરોના ઇન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હોય એવા વિસ્તારોના દુકાનદારો ફરી દુકાનો ખોલવાના વિચારની તરફેણમાં નથી.

સાડા ત્રણ લાખ સભ્યો ધરાવતા ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિએશન (એફઆરટીડબ્લ્યુએ)ના પ્રમુખ વીરેન શાહે જણાવ્યું હતું કે ‘સોમવાર સુધીમાં દુકાનો નહીં ખૂલે તો રીટેલનો બિઝનેસ ખતમ થઈ જશે. અમે બે મહિનાથી અમારા કર્મચારીઓના પગાર ચૂકવ્યા નથી અને એક પૈસાનો ધંધો પણ થયો નથી. જો રીટેલનો ધંધો તૂટી પડશે તો એની પૂરેપૂરી જવાબદારી મહારાષ્ટ્ર સરકારની રહેશે.’

વીરેન શાહે ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાવચેતી સાથે દુકાનદારો, જથ્થાબંધ વેપારીઓ અને ઑફિસો ફરી ખોલવાની અમારી તૈયારી છે. ઈ-કૉમર્સ ઑનલાઇન ખરીદી માટેની ડિલિવરી માટે રેડ ઝોન્સમાં પણ ડિલિવરી બોય્ઝ જાય છે, પરંતુ છૂટક વેચાણ કરતી દુકાનો બંધ રાખવામાં આવી છે. ગોદામોમાં કરોડો રૂપિયાનો માલ પડ્યો રહે છે. આવશ્યક ન હોય એવા માલસામાનની ડિલિવરી માટે ઇ-કૉમર્સ કંપનીઓને છૂટ આપવામાં આવી છે. એ ઈ-કૉમર્સ કંપનીઓ સરકારને ટૅક્સ પણ ચૂકવતી નથી.’

જો કે એફઆરટીડબ્લ્યુએના તમામ સભ્યોનું આવું નથી માનવું. ચેમ્બુર મર્ચન્ટ્સ અસોસિયેશનના પ્રમુખ કિશોર એસ. કુલકર્ણીનું કહેવું છે કે અમારા વૉર્ડમાં કોરોનાની સૌથી વધુ અસર છે. આસપાસના ગોવંડી અને માનખુર્દ તો ટોટલી શિલ્ડ છે. આ અસરગ્રસ્ત વિસ્તારના લોકો અમારા વિસ્તારની દુકાનોમાં આવી શકે છે. આથી જ અમારા અસોસિયશનના મોટા ભાગના સભ્યો દુકાનો ખોલવા રાજી નથી. આ ઉપરાંત મોટા ભાગનો સ્ટાફ ચાલ્યો ગયો છે. ૨૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારની દુકાન ઓછા કર્મચારીઓ સાથે કઈ રીતે ચલાવવી?

તેમનું માનવું છે કે ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી દુકાનો ખોલવાનું મોકૂફ રાખવું જોઈએ.

દાદર વ્યાપારી સંઘના પ્રમુખ સુનીલ શાહ કહે છે કે ‘આપણે કોવિડ-૧૯ સાથે જીવવાનું છે. દુકાનો ખોલવાથી એવો સંદેશ મળશે કે બધું ઓકે છે જે મહત્ત્વનું છે. ઑનલાઈન રીટેલર્સને વ્યાપાર કરવા દેવો અને અમને નહીં એ ખોટું છે. સરકારના ટેકામાં દુકાનો બંધ કરનાર પહેલો વિસ્તાર દાદર હતો. અમને સરકારમાં વિશ્વાસ છે. અમે બીજા નંબરે સૌથી વધુ રોજગાર આપીએ છીએ. ઇ-કૉમર્સ સરકાર અને પ્રજાને શું આપે છે?’

દુકાનો ખોલવાથી એવો સંદેશ મળશે કે બધું ઓકે છે જે મહત્વનું છે. ઓનલાઇન રીટેલર્સને વ્યાપાર કરવા દેવો અને અમને નહીં એ ખોટું છે.

- સુનીલ શાહ, દાદર વ્યાપારી સંઘના પ્રમુખ

અમારા અસોસિએશનના મોટા ભાગના સભ્યો દુકાનો ખોલવા રાજી નથી. મોટા ભાગનો સ્ટાફ ચાલ્યો ગયો છે. દુકાન ઓછા કર્મચારીઓ સાથે કઈ રીતે ચલાવવી?

- કિશોર કુલકર્ણી, ચેમ્બુર મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ

gaurav sarkar mumbai mumbai news chembur coronavirus covid19 lockdown