૧ માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ઑન ધ સ્પૉટ દર્શન બંધ

27 February, 2021 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧ માર્ચથી સિદ્ધિવિનાયક મંદિરમાં ઑન ધ સ્પૉટ દર્શન બંધ

ફાઈલ તસવીર

મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોના ઇન્ફેક્શનના કેસમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખતાં આગામી ૧ માર્ચથી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ઑન ધ સ્પૉટ દર્શનની પરવાનગી બંધ કરવાનો નિર્ણય મંદિરના વ્યવસ્થાપકોએ લીધો છે. ૨૦૨૦ના માર્ચ મહિનામાં કોરોના રોગચાળો ફેલાવા માંડ્યા પછી લૉકડાઉનને કારણે આઠેક મહિના સુધી સિદ્ધિવિનાયક મંદિર બંધ હતું. ગયા નવેમ્બર મહિનામાં સરકારે લૉકડાઉનમાં છૂટછાટો જાહેર કર્યા પછી દાદરના પ્રભાદેવી વિસ્તારનું એ વિખ્યાત ગણપતિ મંદિર ભક્તો માટે ખૂલ્યું હતું. 

માર્ચ મહિનાથી લાગુ કરવામાં આવનારા નવા નિયમો બાબતે સિદ્ધિવિનાયક મંદિરનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પ્રિયંકા છાપવાલેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હાલમાં જે ભક્તોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમને તાત્કાલિક ક્યુઆર કોડ આપીને દર્શન કરવા દેવાય છે પરંતુ ૧ માર્ચ, સોમવારથી સવારે ૭ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી પ્રી-બુક્ડ ક્યુઆર કોડ ધરાવતા ભક્તોને દર્શનની છૂટ આપવામાં આવશે. દર કલાકે ૧૦૦ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વધુ આદેશ ન અપાય ત્યાં સુધી પ્રી-બુક્ડ અપૉઇન્ટમેન્ટ્સ વગરના લોકોને દર્શન માટે પ્રવેશ આપવામાં નહીં આવે. બીજી માર્ચ, અંગારકી ચતુર્થીના દિવસે સવારે ૮ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી ભક્તોને પ્રવેશ કરવા દેવામાં આવશે.’

mumbai mumbai news coronavirus covid19 siddhivinayak temple