કન્ટેઇનમેન્ટ ઝોન્સમાંથી ગાર્બેજ નહીં ઉપાડીએ

10 April, 2020 07:33 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

કન્ટેઇનમેન્ટ ઝોન્સમાંથી ગાર્બેજ નહીં ઉપાડીએ

કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસ મળ્યા હોય એવા વિસ્તારો એટલે કે કન્ટેઇનમેન્ટ ઝોન્સમાંથી કચરો ઉપાડવાનો મુંબઈ મહાનગરપાલિકાના સૅનિટેશન વર્કર્સે ઇનકાર કર્યો છે. એ કામમાં જીવનું જોખમ હોવાનો દાવો કર્મચારીઓ કરી રહ્યા છે. સૅનિટેશન વર્કર્સે ક્વૉરન્ટીન ફૅસિલિટીઝની જગ્યાઓની સફાઈ કરવાનો પણ નનૈયો ભણ્યો છે. તેઓ કહે છે કે ક્વૉરન્ટીન ફૅસિલિટીઝનાં ઠેકાણાંની સફાઈનું કામ અમારું નથી.
કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત થતી વૃદ્ધિના માહોલમાં કાર્યબોજથી પરેશાન પાલિકાના અધિકારીઓએ કેટલાક નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન્સ (એનજીઓ)ના કર્મચારીઓને ઝૂંપડપટ્ટીમાંથી કચરો ઉપાડવાની કામગીરી સોંપી છે. અચાનક આવી પડેલા સંજોગોમાં એ કર્મચારીઓને આવી પરિસ્થિતિમાં કામ કરવાની તાલીમ આપવાની જોગવાઈ પણ કરાઈ નથી. મુંબઈ મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ૨૫,૦૦૦ સૅનિટેશન વર્કર્સ છે. ઘણા કર્મચારીઓને કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં ડ્યુટી સોંપવામાં આવી હોવાથી તેમણે ત્યાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. દરરોજ ૩૦૦ રૂપિયા વધારે આપવામાં આવતા હોવા છતાં કર્મચારીઓ કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં કામ કરવા તૈયાર નથી. એ લોકોના ઇનકારનાં કારણોમાં એક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટના ધાંધિયાનો મુદ્દો પણ છે. મ્યુનિસિપલ મઝદૂર યુનિયનના સહમંત્રી સંજય કાપસેએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સની ક્વૉલિટી ખરાબ હોવાની પણ ફરિયાદ કરી છે.
એચ-ઈસ્ટ વૉર્ડના એક સૅનિટેશન-વર્કરે જણાવ્યું કે ‘અમારું કામ સાર્વજનિક વિસ્તારોમાંથી કચરો ઉપાડવાનું છે. ક્વૉરન્ટીન સેન્ટર્સ જેવા પ્રાઇવેટ એરિયાની સફાઈનું કામ અમારું નથી. એ ઉપરાંત મોટા ભાગના સૅનિટેશન વર્કર્સને સાવચેતીનાં પગલાંની માહિતી પણ નથી. એ માહિતી આપવાની કોઈને ફુરસદ નથી અને એ બાબતની તાલીમ આપવાની દરકાર પણ કોઈ લેતું નથી.’
કચરા વાહતૂક શ્રમિક સંઘના મહામંત્રી મિલિંદ રાનડેએ જણાવ્યું હતું કે ‘આટલી ગંભીર સ્થિતિમાં માસ્ક અને ગ્લવ્ઝ સિવાય કોઈ પ્રોટેક્ટિવ કિટ્સ ઉપલબ્ધ નથી. ત્રણ દિવસ પહેલાં એફ-સાઉથ વૉર્ડ (પરેલ-લાલબાગ)ના લોકોને પ્રોટેક્શન સૂટ્સ અપાયા હતા. એ સૂટ્સ કેવી રીતે પહેરવા અને કેવી રીતે ઉતારવા એની તાલીમ તેમને અપાઈ નથી. અધિકારીઓએ તેમને કહ્યું કે અમે દરરોજ ૨૭૦૦ રૂપિયાના સૂટ આપી ન શકીએ. એથી કર્મચારીઓએ એ સૂટ ઘરે લઈ જઈને બીજા દિવસે ધોઈને પહેરવા પડે છે. કર્મચારીઓ રોષે ભરાયા ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રોજ સાંજે તેમની પાસેથી એ સૂટ લઈને ધોઈને પાછા આપવામાં આવશે, પરંતુ કર્મચારીઓને ખરેખર એ સૂટ ધોઈને આપવામાં આવશે કે પછી જેવા લીધા હતા તેવા જ આપી દેવામાં આવશે એ બાબતની શંકા છે.’

mumbai mumbai news coronavirus covid19 prajakta kasale