આફ્રિકન દેશમાં ફસાયેલા વીરેન કાચાએ કહ્યું, મોદીજી, પ્લીઝ હેલ્પ કરો...

21 May, 2020 08:06 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

આફ્રિકન દેશમાં ફસાયેલા વીરેન કાચાએ કહ્યું, મોદીજી, પ્લીઝ હેલ્પ કરો...

વીરેન કાચાએ વતન આવવા માટે મદદ કરવા બાબતે વડા પ્રધાન અને વિદેશપ્રધાનને ટૅગ કરીને કરેલી ટ્વીટ.

પશ્ચિમ આફ્રિકાના ગિની દેશના કૉનાક્રી શહેરમાં મુંબઈના એક ગુજરાતી સહિત પાંચ અને દેશભરના બસો ભારતીયો એક મહિનાથી કોરોનાના કારણે ફસાયા છે. આ લોકોએ ભારતીય દૂતાવાસમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ભારત સરકાર તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. એથી પણ ગંભીર વાત એ છે કે આ શહેરમાં લૉકડાઉન નથી કરાયું અને અહીંના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા હોવાથી અહીં અટવાયેલા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. એક ભારતીયને લિવરની સમસ્યા છે તો અન્ય એકને વૃદ્ધ માતાની ચિંતા થઈ રહી છે.

મૂળ રાજકોટના ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના અને અત્યારે મુંબઈના કાંદિવલીમાં આવેલા સાંઈનગરમાં રહેતા સદ્ગત વિનોદ કાચાનો ૨૭ વર્ષ વર્ષનો પુત્ર વિરેન ડિસેમ્બર, ૨૦૧૯માં પશ્ચિમ આફ્રિકાના ગિની દેશના કોનાક્રી નામના શહેરમાં આવેલી ગ્લોબલ ગોલ્ડ નામની કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરવા ભારતથી ગયો હતો. વિશ્વની સાથે કોરોના આફ્રિકામાં પણ પહોંચ્યો છે અને ગિની દેશમાં લૉકડાઉન ન કરવાની સાથે લોકો કોઈ સાવચેતી ન રાખતા હોવાથી ખૂબ જ ઝડપથી આ વાઇરસનું સંક્રમણ થઈ રહ્યું હોવાથી વિરેન જે કંપનીમાં કામ કરે છે એ કંપનીએ એકાદ મહિનાથી કામકાજ બંધ કરી દીધું છે.

વિરેન કાચાએ ‘મિડ-ડે’ સાથે ફોન પર કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ અને થાણેના મળીને અમે પાંચ જણ અત્યારે એક રૂમમાં રહીએ છીએ. કંપની તરફથી અમને બધી સુવિધા અપાઈ છે, પરંતુ કામ બંધ છે અને નજીકના સમયમાં ચાલુ થવાની શક્યતા ન હોવાથી અમે વતન આવવા માગીએ છીએ. એક મહિનાથી અમે અહીંના ભારતીય દૂતાવાસમાં ચક્કર લગાવીએ છીએ, પરંતુ તેઓ કોઈ જવાબ નથી આપતા. ઑફિસનો દસથી બે વાગ્યાનો સમય હોવા છતાં તેઓ ૧ વાગ્યે ઑફિસ બંધ કરીને જતા રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન જયશંકરને ટૅગ કરીને ટ્વીટ પણ કર્યું છે, પરંતુ કોઈ રિસ્પૉન્સ નથી મળતો. સરકાર જો સમયસર અમને વતન આવવાની મદદ નહીં કરે તો અમે કોરોનામાં સપડાઈ જઈશું. સરકારે બીજા દેશોની જેમ આફ્રિકાના વિવિધ દેશમાં વસતા ભારતીયોને વતન લાવવા માટે પણ વિચારવું જોઈએ. મારી સાથે રહેતા એકને લિવરની સમસ્યા છે તો બીજા એકનાં વૃદ્ધ માતા-પિતા મુંબઈમાં એકલાં રહે છે એટલે તેઓ ટેન્શનમાં છે.’

લૉકડાઉન નથી કરાયું

આફ્રિકાનો ગિની દેશ ગરીબ છે એટલે કામકાજ બંધ કરાય તો મોટી અફરાતફરી મચવાની શક્યતા હોવાથી સરકારે અહીં લૉકડાઉન નથી કર્યું. જોકે આને કારણે અહીં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગઈ કાલ સુધી અહીં કોરોનાના ૨૮૬૩ કેસ નોંધાયા હતા, જેમાં ૧૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વિરેન કાચા તથા તેમની સાથેના લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે હોમ ક્વૉરન્ટીન થઈ ગયા છે.

પરિવાર ચિંતામાં

કાંદિવલીના સાંઈનગરમાં રહેતા વિરેન કાચાના ભાઈ કલ્પેશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એનું ટેન્શન છે ત્યારે ભાઈ આફ્રિકામાંથી ભારત કેમ અને ક્યારે પાછો આવશે એની ચિંતા અમને સતાવી રહી છે. ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ કે વિરેન અને તેની સાથે ગિનીના કૉનાક્રીમાં ફસાયેલા બસો જેટલા ભારતીયોને પાછા લાવવા માટે વહેલાસર વ્યવસ્થા કરે.’

ઇન્ડિયન કમ્યુનિટી ગ્રુપથી સંપર્ક

કોણાક્રીમાં મોટી સંખ્યામાં ભારતીયો વિવિધ વ્યવસાય કે નોકરી માટે સ્થાયી થયા છે. ગુજરાતી, સિંધી ઉપરાંત મરાઠી અને દક્ષિણ ભારતીયોનો આમાં સમાવેશ છે. કોરોનાને કારણે અહીં કામકાજ ઠપ થઈ જતાં જેઓ ભારત આવવા માગતા હોય તેવા લોકોનો સંપર્ક કરવા માટે તેમણે ઇન્ડિયન કમ્યુનિટી ગ્રુપ બનાવ્યું છે. આમાંના અનેક લોકો બે મહિનાથી ભારત આવવા માગે છે, પરંતુ ભારત સરકારે આફ્રિકા માટે કોઈ વ્યવસ્થા નથી કરી એટલે તેઓ અટવાઈ ગયા છે.

એક મહિનાથી અમે અહીંના ભારતીય દૂતાવાસમાં ચક્કર લગાવીએ છીએ, પરંતુ તેઓ કોઈ જવાબ નથી આપતા.

 

- વીરેન કાચા

ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ કે વીરેન અને તેની સાથે ગિનીના કૉનાક્રીમાં ફસાયેલા બસો જેટલા ભારતીયોને પાછા લાવવા માટે વહેલાસર વ્યવસ્થા કરે.

- કલ્પેશ, વીરેન કાચાનો ભાઈ

kandivli prakash bambhrolia mumbai mumbai news coronavirus covid19 lockdown