પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થયું, પરંતુ રાજ્યની નીતિઓથી પ્રવાસીઓ ગૂંચવાયા

27 June, 2020 11:10 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થયું, પરંતુ રાજ્યની નીતિઓથી પ્રવાસીઓ ગૂંચવાયા

ફાઈલ તસવીર

સરકાર વધુ ને વધુ ઑફિસો અને દુકાનો ખોલવાની પરવાનગી આપી રહી છે અને સાર્વજનિક વાહનવ્યવહાર પણ મર્યાદિત પ્રમાણમાં શરૂ થયો છે ત્યારે મુંબઈના નાગરિકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિઓ વિશે સમજ કેળવવામાં ગૂંચવાઈ જાય છે. રેલવે મંત્રાલયે ટાઇમટેબલમાં સૂચિત રેગ્યુલર મેલ, પેસેન્જર ટ્રેનોનો લૉકડાઉન ૧૨ ઑગસ્ટ સુધી લંબાવવાની ગુરુવારે જાહેરાત કરી ત્યારે સાર્વજનિક વાહનવ્યવહારનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો હતો, કારણ કે એમાં મુંબઈની લોકલ ટ્રેનોનો કોઈ ઉલ્લેખ નહોતો. ઘણા વખતથી લોકલ ટ્રેનો સાથેનો મુંબઈગરાનો સંપર્ક તૂટી ગયો છે. લાંબા અંતરની બહારગામની ટ્રેનો કેટલાક વખતથી દોડે છે ખરી, પરંતુ એ ટ્રેનો રાજ્ય સરકારની સૂચનાથી મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર થોભતી નહીં હોવાને કારણે પ્રવાસીઓ હતાશ થાય છે.

સામાજિક કાર્યકર અક્ષય મહાપદીએ જણાવ્યું હતું કે ‘આ સ્થિતિમાં આવતા મહિને વધારે અંધાધૂંધી થશે. ગણેશોત્સવમાં કોંકણ તરફ જવા ઉત્સુક લોકોની સંખ્યા જબરદસ્ત હોય છે. હાલના સંજોગોમાં એ લોકો ટ્રેનોમાં નહીં જઈ શકે એટલે બાય રોડ જશે. એથી ધોરી માર્ગો પર ગીચતા અને અવ્યવસ્થા કે અરાજકતા સર્જાવાની શક્યતા છે, પરંતુ એ સ્થિતિનો અંદાજ બાંધીને આગોતરાં પગલાં લેવાનું સરકારને ફાવતું નથી. મુશ્કેલી ઊભી થાય ત્યારે સરકાર જાગશે. રાજ્ય સરકાર ટૂંકી દૃષ્ટિ ધરાવતી હોય એ સ્થિતિ અનિચ્છનીય અને જોખમી છે.’

મુંબઈ મોબિલિટી ફોરમના અગ્રણી અજિત શેણોયે જણાવ્યું હતું કે ‘ધીમે ધીમે વારાફરતી જુદા જુદા ક્ષેત્રોને ખુલ્લા મૂકવા અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બન્નેના નિર્દેશો, આદેશો અને માર્ગદર્શક સૂચનાઓના અનુસરણમાં દ્વિસ્તરીય વહીવટનો અનુભવ થાય છે. એને કારણે ગૂંચવણ વધે છે. હાલમાં આપણે સમન્વય વગરના તૂટક શાસન-વહીવટથી પીડાઈ રહ્યા છીએ.’

પબ્લિક પૉલિસી (ટ્રાન્સપોર્ટ) એક્સપર્ટ પરેશ રાવળે જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકાર અર્થતંત્રને બેઠું કરવા ચિંતિત છે એવું બતાવવા માગે છે અને બીજી બાજુ સાર્વજનિક વાહનવ્યવહાર પૂરેપૂરો ખોલવાની હિંમત કરીને દોષ પણ માથે લેવા ઇચ્છતી નથી.’

૨૫ જૂનના સર્ક્યુલર વિશે રેલવે તંત્ર શું કહે છે?

રેલવે તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘૧૫ જૂને બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર દ્વારા સર્વિસિસના કેન્સલેશનની મુદત લંબાવવામાં આવી છે. એથી એમાં મુંબઈની લોકલ ટ્રેનોનો કોઈ ઉલ્લેખ નહોતો. રાજ્ય સરકારે દર્શાવેલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે મર્યાદિત પ્રમાણમાં સબર્બન ટ્રેન સર્વિસ ચાલતી રહેશે. સ્પેશ્યલ સબર્બન સર્વિસિસ વિશે સમયાનુસાર જાણકારી આપતા રહીશું.’

mumbai railways mumbai local train western railway central railway coronavirus covid19 lockdown