મુંબઈ મેટ્રોપૉલિટન રિજનમાં અવરજવર માટે હવે ટ્રાવેલ-પરમિટની જરૂર નહીં

05 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ મેટ્રોપૉલિટન રિજનમાં અવરજવર માટે હવે ટ્રાવેલ-પરમિટની જરૂર નહીં

જોગર્સને રાહત : ગઈ કાલથી મુંબઈના તમામ પાર્ક્સને લોકો માટે સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનું શરૂ કરાયું છે. દરમ્યાન બોરિવલી વેસ્ટના ચીકુવાડી વિસ્તારમાં સાંજે જોગિંગ કરવા માટે આવેલા લોકો. તસવીર : નિમેશ દવે.

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મેટ્રોપૉલિટન રિજન)માં બે જિલ્લાઓ કે શહેરો વચ્ચે હરવા-ફરવાની છૂટ આપી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રિજન (MMR)માં મુંબઈ શહેર અને ઉપનગરો ઉપરાંત થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાનાં ભાગરૂપ કેટલાંક શહેરોનો સમાવેશ છે. કોરોનાના કેસની બાબતમાં દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ MMRમાં નોંધાયા છે. MMRમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ૫૬,૭૯૪ કેસ અને રોગચાળાને કારણે ૧૭૪૨ મૃત્યુ નોંધાયાં છે.

રાજ્ય સરકારે ગઈ કાલે બહાર પડેલા સુધારિત આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ઇન્ટર ડિસ્ટ્રિક્ટ મૂવમેન્ટની છૂટ આપવામાં આવશે. રાજ્યના અન્ય ભાગોમાં બે જિલ્લાઓ વચ્ચે અને બે રાજ્યો વચ્ચે લોકોની અવરજવર પર નિયંત્રણો લાગુ રહેશે. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર અનુસાર હિજરતી-સ્થળાંતરકારી મજૂરો, ધાર્મિક યાત્રાળુઓ અને પર્યટકોની અવરજવર પર નિયંત્રણો લાગુ રહેશે.

ઓપન ઍર જિમ્નૅશ્યમ્સ પર પ્રતિબંધ

આઉટ ડોર ફિઝિકલ ઍક્ટિવિટીઝના ભાગરૂપે બગીચા અને ઓપન ઍર જિમ્નૅશ્યમ્સ તથા પ્લે એરિયા ઇક્વિપમેન્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. મિશન બીગિન અગેઇનના ભાગરૂપે જે આઉટ ડોર ફિઝિકલ ઍક્ટિવિટીઝની છૂટ આપવામાં આવી છે એમાં બગીચા, ઓપન ઍર જિમ્નૅશ્યમ્સ અને પ્લે એરિયા ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ નથી.

પ્રાઇવેટ ઑફિસો શરૂ થશે

રાજ્ય સરકારના સુધારિત આદેશમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ‘૮ જૂનથી શરૂ થતા ‘અનલોક’ના ત્રીજા તબક્કામાં ૧૦ ટકા સ્ટાફ કે ૧૦ બેમાંથી જે સંખ્યા વધારે હોય એ સંખ્યામાં કર્મચારીઓની હાજરીમાં પ્રાઇવેટ ઑફિસો ચલાવે અને બાકીના કર્મચારીઓ ઘેરબેઠાં કામ કરે એ રીતે ઑફિસો ચલાવી શકાશે. કોરોનાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા ધરાવતા ખાસ કરીને વૃદ્ધોના બીમારીથી રક્ષણ માટે સ્ટાફને સુરક્ષાનાં પગલાં બાબતે પ્રશિક્ષણ આપવા સૅનિટાઇઝેશન પ્રોગ્રામ દરેક વેપાર-ધંધા-ઑફિસ-દુકાનો-કારખાનાંના માલિકોએ યોજવાનો રહેશે.

coronavirus mumbai news mumbai metropolitan region development authority mumbai railways mumbai local train