‘15 જૂનથી સલૂન ખોલ્યા સિવાય વિકલ્પ નથી’

12 June, 2020 08:20 AM IST  |  Mumbai | Anurag Kamble

‘15 જૂનથી સલૂન ખોલ્યા સિવાય વિકલ્પ નથી’

પ્રોટેસ્ટ કરી રહેલા હેર-સ્ટાઇલિસ્ટ

રાજ્યની અનલૉક-1 માર્ગદર્શિકા હેઠળ શહેર ધીમે-ધીમે કાર્યરત બની રહ્યું છે ત્યારે હાઉસમેડ, હેર-સ્ટાઇલિસ્ટ, જિમના કર્મચારીઓ તથા ઑર્કેસ્ટ્રા-આર્ટિસ્ટ માટે નવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તેમનું માનવું છે કે સરકારે તેમની સમસ્યા વિશે આંખ આડા કાન કરી લીધા છે. આજીવિકાનું કોઈ સાધન ન રહેતાં સમાજના આ સમુદાયોએ ગુરુવારે શહેરભરમાં વિરોધ નોંધાવ્યો હતો તથા તેમનું કામ ફરી શરૂ કરવા માટે સરકારની તત્કાળ દરમ્યાનગીરીની માગણી કરી હતી.

મુંબઈમાં આશરે એક લાખ જેટલા ઑર્કેસ્ટ્રા-આર્ટિસ્ટ્સ છે, જેઓ વિવિધ શો તથા બારમાં પર્ફોર્મ કરે છે. લૉકડાઉનને કારણે તેઓ જીવનના સૌથી કપરા દિવસોનો સામનો કરી રહ્યા છે અને તેમને એનજીઓ તથા કલ્યાણકારી યોજનાઓ ધરાવતાં સંગઠનોની દયા પર છોડી દેવાયા છે.

વિરોધ કરી રહેલી હાઉસમેડ

ઑર્કેસ્ટ્રા આર્ટિસ્ટ અસોસિએશનના પ્રેસિડેન્ટ સુભાષ જાધવે જણાવ્યું હતું કે ‘અસોસિએશનમાં ૧૨,૦૦૦થી વધુ આર્ટિસ્ટ્સ છે અને અમે લૉકડાઉન લાગુ થયું ત્યારથી તેમને રૅશન તથા અન્ય જોગવાઈઓ પૂરી પાડી રહ્યા છીએ. અમે ઘણાં એનજીઓ પાસેથી સહાય મેળવી હતી, પરંતુ કોઈની પણ પાસે ખાસ બચત ન હોવાથી ત્રણ મહિના સુધી આમ કરવું શક્ય નથી.’

અંધેરીના એક જિમના મૅનેજર ૩૨ વર્ષના પ્રતેશ જગતાપે જણાવ્યું કે ‘આખો ઉદ્યોગ સ્થિર થઈ ગયો છે. અમારા એમ્પ્લૉયર અમને મદદ કરી રહ્યા છે, પણ આવું કાયમ નહીં ચાલે. જ્યાં સુધી જિમ ફરી કાર્યરત નહીં થાય ત્યાં સુધી અમને ખબર નથી કે અમારું ભવિષ્ય શું હશે.’

મુંબઈ સલૂન્સ ઍન્ડ બ્યુટી પાર્લર અસોસિએશનના સેક્રેટરી પ્રકાશ ચવાણે જણાવ્યું કે ‘અમે પડી ભાંગ્યા છીએ. ૧૫ જૂને શૉપ્સ ખોલવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો સરકાર પરવાનગી નહીં આપે અને શૉપ બંધ કરવાનું દબાણ કરશે તો અમારી પાસે એનો વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.’

બીજી તરફ સેંકડો હાઉસમેડ બુધવારે મુલુંડમાં એકત્રિત થઈ હતી અને તેમણે સરકારની દરમ્યાનગીરીની માગણી કરી હતી. તેમનો દાવો છે કે અમારા એમ્પ્લૉયર્સ અમને પાછા બોલાવતા નથી.

coronavirus dadar bhandup mulund lockdown mumbai news anurag kamble