થાણેમાં ફરી સંપૂર્ણ લૉકડાઉન કરાતાં ખરીદી કરવા અફરાતફરી મચી

02 July, 2020 11:10 AM IST  |  Mumbai | Mumbai correspondent

થાણેમાં ફરી સંપૂર્ણ લૉકડાઉન કરાતાં ખરીદી કરવા અફરાતફરી મચી

ખરીદી કરવા લોકોની અફરાતફરી મચી

થાણે શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ૩૦ જૂને અહીં બેથી ૧૨ જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન કરવાની જાહેરાત કરી હતી. દસ દિવસ સુધી બધું બંધ રહેવાનું હોવાથી મંગળવારે અને ગઈ કાલે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે નીકળી પડતાં અનેક જગ્યાએ અફરાતફરી મચી હતી. શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓ ડબલ ભાવથી લોકો વેચી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. અગાઉ પણ એકથી વધુ વખત આવી જ રીતે સંપૂર્ણ લૉકડાઉન કરાયું હતું, પરંતુ એનાથી કોઈ રાહત નહોતી થઈ એટલે અત્યારના નિર્ણયથી પણ કોરોનાને ફેલાતા રોકવામાં સફળતા મળશે એવી કોઈ ગૅરન્ટી ન હોવાનું લોકોએ કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં અનલૉક-2.0ના ભાગરૂપે ‘મિશન બિગીન અગેઇન’ની ગઈ કાલથી શરૂઆત થઈ હતી, પરંતુ થાણે જિલ્લા અને શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસને રોકવા માટે પ્રશાસને ૨થી ૧૨ જુલાઈ સુધીના ૧૦ દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન કરવાની જાહેરાત કરી હતી.

મહાનગરપાલિકાની જાહેરાત બાદ ૧૦ દિવસ ચાલી શકે એટલી વસ્તુઓ અને શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો જાંબલી નાકા ખાતેની શાકભાજી માર્કેટ સહિત વિવિધ બજારમાં પહોંચ્યા હતા. અચાનક મોટી સંખ્યામાં લોકો માર્કેટમાં આવી જતાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના લૉકડાઉનના તમામ નિયમ સાઇડમાં મુકાઈ ગયા હતા. અનેક જગ્યાએ દુકાનોમાં લોકો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ તો લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ બાબતે ઝઘડા થતાં જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

થાણેમાં ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકસાથે ખરીદી કરવા બહાર નીકળતા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ હતી. ૨ જુલાઈથી ૧૨ જુલાઈ દરમ્યાન સંપૂર્ણ લૉકડાઉનમાં થાણેના તમામ હૉટ-સ્પૉટમાં કડક અમલબજાવણી કરવાનો આદેશ પોલીસને અપાયો હોવાથી લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળશે તો તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે. પોલીસે તથા પાલિકા પ્રશાસને લોકોને અપીલ કરી છે કે પોતાના તથા બીજાઓને કોરોના વાઇરસથી બચવા અને બચાવવા માટે નિયમનું પાલન કરવામાં મદદરૂપ બને.

થાણે જિલ્લામાં કોરોનાના કેસ ૧૫ દિવસમાં બમણા થઈ ગયા

રાજ્યના થાણે ડિસ્ટ્રિક્ટમાં છેલ્લા ૧૫ દિવસમાં કોવિડ-19ના કેસ લગભગ બમણા થઈ ગયા છે. કોરોનાના કેસમાં વધારો મેની એક તારીખથી શરૂ થયો હતો. એકલા થાણે શહેરમાં જ ૧૦,૩૨૯ કેસ છે.

હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર પહેલી મે સુધી થાણે ડિસ્ટ્રિક્ટમાં ૧૦૧૧ કેસ હતા જે મંગળવાર એટલે કે એક જુલાઈ સુધી વધીને ૩૩,૩૨૪ થઈ ગયા હતા. છેલ્લા પંદર દિવસમાં ૧૭,૦૦૮થી બમણા થઈને ૩૩,૩૨૪ થઈ ગયા હતા. આટલું જ નહીં, મૃત્યુનો આંકડો પણ ૨૯થી વધીને ૧૦૨૪ થઈ ગયો છે.

mumbai mumbai news thane coronavirus covid19 lockdown