મુંબઈ: માહિમની હૉસ્પિટલની બેદરકારીને લીધે પેશન્ટનો જીવ ગયો

31 July, 2020 07:09 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: માહિમની હૉસ્પિટલની બેદરકારીને લીધે પેશન્ટનો જીવ ગયો

મરનાર પ્રશાંત કાળે તથા માહિમની હૉસ્પિટલ.

કોરોના-પૉઝિટિવ ન હોવા છતાં માહિમની એક હૉસ્પિટલ દ્વારા દરદીને કોવિડની સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. દરદીના સંબંધીઓએ દરદીને ખોટી સારવાર આપ્યાનો અને હૉસ્પિટલે તેમની પાસેથી ખોટા પૈસા વસૂલ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

માહિમની ૩૨ દરદીઓને દાખલ કરવાની સુવિધા ફૅમિલી કૅર હૉસ્પિટલમાં માહિમ કોલીવાડાનો યુવાન પ્રશાંત કાળે ૨૬ જુલાઈએ સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. હૉસ્પિટલમાં દરદીના પરિવારને ડૉક્ટરે કહ્યું હતું કે તે કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યો છે. પ્રશાંતને પગમાં ફોલ્લો થયો હતો અને એમાં પસ થતા તેને તાવ આવતો હતો એવો દાવો તેના સગાં કરી રહ્યાં છે.

ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે તેને કોરોના છે અને તેની દવા મીરા રોડમાં મળશે. જોકે એ દવા લેવા માટે દરદીના રિપોર્ટની જરૂર હોય છે ત્યારે ડૉક્ટરે બીજા દરદીનો રિપોર્ટ દવા લેવા માટે સંબંધીઓને આપ્યો હતો.

દરદીના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે હૉસ્પિટલ કોરોના કેન્દ્ર હોવા છતાં દરદીઓની વિશેષ કાળજી લેવામાં આવતી નથી.

બીએમસીએ ફૅમિલી કૅર હૉસ્પિટલને ૪૮ કલાકમાં તમામ દરદીઓને ડિસ્ચાર્જ આપીને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી ઑવરચાર્જિંગની આ હૉસ્પિટલ સામે પાંચ ફરિયાદ થઈ ચૂકી છે.

આ દરમિયાન, બીજેપીનાં અક્ષતા તેન્ડુલકર હૉસ્પિટલમાં દોડી ગયાં હતાં અને દરદીના સંબંધીઓને હૉસ્પિટલમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી હતી. તેમણે તાત્કાલિક હૉસ્પિટલ બંધ કરવાની માગણી કરી હતી. આ સમયે સંબંધિતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડૉક્ટરો બહાર આવે અને જવાબ આપે એવી માગણી કરી હતી. જોકે હૉસ્પિટલમાં જવાબ આપવા કાઈ સક્ષમ ડૉક્ટર ન હોવાથી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આવવું પડ્યું હતું.

કિરણ ધનુ નામના મૃતકના સગાએ જણાવ્યું હતું કે ‘પ્રશાંત કાળે મારા જિજાજી હતા. અમે તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. તેને કોરોના ન હોવા છતાં તેના પર કોરોનાનો ઇલાજ કરવામાં આવ્યો હતો. તેનો અંતિમ સંસ્કાર પણ કોરોના પૉઝિટિવના મૃત લોકોની જેમ કરવામાં આવ્યો હતો. હવે દરદીનો અહેવાલ અમારી પાસે આવ્યો છે એમાં તેમને કોરોના નેગેટિવ છે. તો પછી હૉસ્પિટલે અમને ખોટી માહિતી કેમ આપી? હૉસ્પિટલે અમારી પાસેથી અઢી લાખ રૂપિયાનું બિલ વસૂલ્યું છે.

અક્ષતા તેન્ડુલકરે (સ્થાનિક બીજેપી નેતા) અમને જણાવ્યું હતું કે ‘મને જાણવા મળ્યું કે ૩૨ વર્ષના પ્રશાંતનું મોત હૉસ્પિટલની બેદરકારીથી થયું છે. એથી અમે પોલીસ પાસે દોડી ગયા હતા. જ્યારે અમે આ વિશે પૂછવા હૉસ્પિટલમાં આવ્યા ત્યારે એક પણ સક્ષમ મેડિકલ ઑફિસર અમારી સમક્ષ આવ્યો નહોતો. બધા નાસી ગયા હતા. હૉસ્પિટલ ફક્ત ખાનગી નર્સોના આધારે ચલાવવામાં આવે છે. આ દરદીના સંબંધીઓએ અમને ફરિયાદ કરી છે કે આ હૉસ્પિટલના અન્ય દરદીઓનું પણ આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આ વિશે અમે માહિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

માહિમના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદ ગડનકુશ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હૉસ્પિટલ બાબતે મારી પાસે ફરિયાદ આવી છે. અમે એના આધારે હૉસ્પિટલના ડૉક્ટર અને મૃતકના પરિવારજનોનાં સ્ટેટમેન્ટ લીધાં છે. આગળ તપાસ હાથ ધરાઈ છે.’

અમે એક મહિનો હૉસ્પિટલ બંધ કરવાના આદેશ આપ્યા છે. બધા દરદીઓને ડિસ્ચાર્જ આપી દેવાની તથા નવા દરદીઓને દાખલ કરવાની ના પાડી દીધી છે. અન્ય એક વૉર્ડ-ઑફિસરે કહ્યું કે ફૅમિલી કૅર હૉસ્પિટલે ગંભીર કાળેને સ્પેશ્યલાઇઝ્‍ડ હૉસ્પિટલમાં ખસેડવા જોઈતા હતા. હવે તેમની સામે વધુ પગલાં લેતાં પહેલાં પૂરતી ચકાસણી કરવામાં આવશે.
- કિરણ દિઘાવકર, જી-નૉર્થના અસિસ્ટન્ટ કમિશનર

દરદીને ઍક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ (એઆરડીએસ) સાથે દાખલ કરાયા હતા. તેમને છાતીમાં બૅક્ટેરિયાને કારણે અથવા કોરોનાને કારણે ઇન્ફેક્શન પણ હતું. તેમને નૉન-ઇન્વેસિવ વેન્ટિલેટર પર રખાયા હતા અને સાથે ઍન્ટિ-બાયોટિક દવાઓથી પણ સારવાર આપવામાં આવી હતી. અન્ય દરદીઓની સરખામણીમાં તેમની તબિયત બહુ જલદી કથળી ગઈ હતી અને તેમને સારવાર આપ્યા છતાં તેઓ બચી શક્યા નહોતા.
- ડૉ. કિરણ પાટીલ, ફૅમિલી કૅર હૉસ્પિટલ

mumbai mumbai news mehul jethva coronavirus covid19 mahim lockdown