કોરોના વાઈરસ ઈફેક્ટ: ત્રણ વાર પોસ્ટપોન પછી મૅરેજનું મુરત

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Alpa Nirmal

કોરોના વાઈરસ ઈફેક્ટ: ત્રણ વાર પોસ્ટપોન પછી મૅરેજનું મુરત

કપલ

વિલે પાર્લેમાં રહેતા પ્રતીક કારિયા અને વર્ષા સાવલાનાં લગ્ન ૧૦૦૦થી ૧૨૦૦ લોકોએ માણ્યાં. વડીલોએ તેમને આશીર્વાદ આપ્યા અને મિત્રોએ શુભેચ્છા. કોરોનાના કપરા કાળમાં સરકારે ૫૦થી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે પ્રતીક અને વર્ષાનાં લગ્ન યુટ્યુબ પર લાઇવ ટેલિકાસ્ટ કરાયાં હતાં, જેથી સગાંસંબંધીઓ અને મિત્રો તેમનાં લગ્નમાં ઉપસ્થિત રહ્યાં હોય એવો વર્ચ્યુઅલ આનંદ માણી શક્યાં.

રેડીમેડ ગાર્મેન્ટની શૉપ ધરાવતો પ્રતીક કારિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘૧૬ એપ્રિલે અમારાં લગ્ન નક્કી થયાં હતાં. વેન્યુ, કેટરર્સ, બ્યુટી-પાર્લરવાળા, મેંદી-આર્ટિસ્ટ બધા પહેલાંથી જ બુક થઈ ગયા હતા ત્યાં જનતા કરફ્યુ અને ત્યાર બાદ પહેલું લૉકડાઉન જાહેર થયું એટલે આખો પ્રસંગ રદ કરવામાં આવ્યો. હવે સરકારી આદેશ મુજબ ૫૦થી વધુ લોકો  એક જગ્યાએ ભેગા નથી થઈ શકતા ત્યારે લગ્નમાં કોને બોલાવવા અને કોને ના પાડવી એ અમારે માટે મોટી અવઢવ હતી. અમારા બન્નેનું કુટુંબ બહુ મોટું અને ફ્રેન્ડ-સર્કલ પણ બહોળું છે. અમે બન્ને પક્ષની અંગત ફક્ત ૨૦-૨૦ વ્યક્તિનું લિસ્ટ બનાવ્યું અને બાકીનાં બધાં સગાંસંબંધીઓને આ અવસરમાં વર્ચ્યુઅલી જોડાવાનું નિમંત્રણ આપ્યું. 

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વર્ષા કહે છે, ‘પહેલાં અમને થયું કે ઝૂમ ઍપ દ્વારા અથવા બીજી કોઈ ઍપમાં બધાને કનેક્ટ કરીએ. અમે અમારા ફોટોગ્રાફરને આ વાત કરી ત્યારે ફોટોગ્રાફરે અમને આખી ઇવેન્ટ યુટ્યુબ પર લાઇવ ટેલિકાસ્ટ કરવાનો આઇડિયા આપ્યો. અમને બધાને આ આઇડિયા ગમી ગયો એટલે અમે ઇન્વાઇટેડ સિવાયનાં બધાં સગાંસંબંધીઓને  ડિજિટલ નિમંત્રણ કાર્ડ સાથે યુટ્યુબની લિન્ક મોકલી. ઑલમોસ્ટ ૧૦૦૦થી ૧૨૦૦ લોકોએ પોતપોતાના સ્થાન પરથી લગ્ન માણ્યાં. સાથે જ અમને   લાઇવ મેસેજ દ્વારા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી.’

ઍક્ચ્યુઅલી, વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિમાં લગ્નની કંકોતરી લખાય એ પહેલાં વર-વધૂ પક્ષ છાંટણાવિધિ કરે છે. એ વિધિ કર્યા બાદ નિર્ધારિત દિવસે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવાનાં જ હોય છે, પરંતુ લૉકડાઉનમાં એ શક્ય નહોતું એટલે તેઓએ કુટુંબના વડીલો, ગોરમહારાજની સલાહથી લગ્ન ડિલે કર્યાં. લગ્ન ડિલે તો કર્યાં પણ પછી વર્ષા અને પ્રતીકના  વેડિંગ-પ્લાનમાં  બહુ ટ્વિસ્ટ આવ્યાં.  તેઓએ  મુરત પ્રમાણે ત્રણ વખત  લગ્નની તારીખ નક્કી કરી, પણ એ મુરત જ ન આવ્યું. 

પ્રતીકનાં મમ્મી કસ્તુરબહેન કહે છે, ‘૧૬ એપ્રિલ પછી અમે અખાત્રીજના દિવસે ઘરમાં જ થોડા વ્યક્તિઓની હાજરીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ  સોસાયટીવાળાઓએ બહારના લોકોને અંદર આવવાની મનાઈ કરી એટલે એ પ્લાન કૅન્સલ કરવો પડ્યો. પછી મે મહિનાની બે તારીખ ફિક્સ કરી ત્યાં ત્રીજું અને પછી ચોથું  લૉકડાઉન જાહેર થયું એટલે વળી પાછો પ્રોગ્રામ કૅન્સલ કરવો પડ્યો.’ 

પછી તો કારિયા અને સાવલા ફૅમિલીએ નક્કી કર્યું કે હવે અનલૉકની રૂપરેખા બહાર પડે પછી જ દિવસ પાકો કરવો અને સરકારે ૩૧ મેએ જાહેરાત કરી એ પછી નક્કી કરવામાં આવી ૧૧ જૂન. આમંત્રિતોનું લિસ્ટ બન્યું. ઘર નજીક નાનકડો હૉલ, કેટરર, ગોરમહારાજ બધાનું સેટિંગ કર્યું અને ફાઇનલી ૧૧ જૂને વર્ષા અને પ્રતીક લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.
   
આટલી વખત કાર્યક્રમ કૅન્સલ થયા તો કોર્ટ-મૅરેજ કેમ ન કર્યાં? એના જવાબમાં પ્રતીક કહે છે, ‘મારા સંગીત અને બીજા પ્રસંગ ઑલરેડી કૅન્સલ થઈ ગયા હતા. મારે અને વર્ષાએ લગ્ન તો વિધિપૂર્વક જ કરવાં હતાં. અમે માંડવા, સમુર્તાં, દેવસ્થાપન આદિ બધી જ વિધિ કરી. એમાં પોંખવાથી લઈને ફેરા સુધીના આખા કાર્યક્રમનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું.

અત્યાર સુધી લગ્નપ્રસંગે જાઓ એટલે એન્ટ્રીમાં જ અત્તરથી સ્વાગત કરવામાં આવે, પણ હાલની પરિસ્થિતિમાં અત્તરને બદલે મહેમાનોનું સ્વાગત સૅનિટાઇઝરથી કરવામાં આવ્યું અને એ સાથે સૌને માસ્ક પણ અપાયા. હૉલમાં આમંત્રિતોને બેસવાની સગવડ પણ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરાઈ હતી. ફોટોગ્રાફર, કેટરર, ગોરમહારાજ અને સગાંસંબંધીઓ મળીને ૫૦ વ્યક્તિ પરિણયવિધિમાં હાજર હતી. આ લગ્નની બીજી યુનિક વસ્તુ એની ડિજિટલ કંકોતરી હતી. ટ્રેનની ટિકિટના ફૉર્મેટમાં આમંત્રણપત્રિકા બનાવાઈ હતી. આમંત્રિત મહેમાનોને કન્ફર્મ ટિકિટરૂપે નિમંત્રણ અપાયું હતું તો અન્ય સંબંધીઓને વેઇટ લિસ્ટ ટિકિટરૂપે VARTIK (વર્ષા+પ્રતીક) એક્સપ્રેસમાં જોડાવા યુટ્યુબની લિન્ક અપાઈ હતી.

alpa nirmal mumbai mumbai news coronavirus covid19 lockdown