મુંબઈ: કોરોનાનો ડબલિંગ રેટ મલાડમાં સુધર્યો, બોરીવલીમાં બગડ્યો

02 July, 2020 09:57 AM IST  |  Mumbai | Mayur Parikh

મુંબઈ: કોરોનાનો ડબલિંગ રેટ મલાડમાં સુધર્યો, બોરીવલીમાં બગડ્યો

કાંદિવલીનો સૂમસામ ઝૂંપડપટ્ટી વિસ્તાર. તસવીર : સતેજ શિંદે

આજથી પંદર દિવસ અગાઉ ઉત્તર મુંબઈમાં કોરોનાને કારણે પરિસ્થિતિ સ્ફોટક બની હતી. મલાડ વિસ્તારમાં માત્ર ૧૮ દિવસમાં કેસ ડબલ થવાની શંકા હતી. આ ઉપરાંત બોરીવલી, કાંદિવલી, દહિસર અને ગોરેગામમાં પરિસ્થિતિ કાબૂ બહાર હતી; પરંતુ મહાનગરપાલિકા દ્વારા સમયસર કડક પગલાં લેવામાં આવતાં ઉત્તર મુંબઈનું ચિત્ર હવે બદલાયું છે.

જોકે બોરીવલી વિસ્તારની સ્થિતિ હજી ગંભીર છે જ્યારે મલાડ, દહિસર અને કાંદિવલીમાં સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય બની રહી છે. તેમ જ ગોરેગામની સ્થિતિ પહેલાં કરતાં ઘણી જ સુધરી ગઈ છે. મહાનગરપાલિકાએ બહાર પાડેલા આંકડાઓ મુજબ જો આ જ પ્રકારે પરિસ્થિતિ ચાલુ રહી તો બોરીવલી વિસ્તારમાં બાવીસ દિવસ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થશે જ્યારે મલાડ, દહીસર અને કાંદિવલીમાં ૩૦ દિવસ પછી કેસ બમણા થઈ શકે છે. ગોરેગામમાં પરિસ્થિતિ ઘણી સારી છે. અહીં ૪૦ દિવસ પછી કેસ બમણા થઈ શકે છે. આમ ઉત્તર મુંબઈમાં જે ભયાવહ ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું એમાં સુધારો નોંધાયો છે.
મલાડ વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન (સ્લમ અને ચાલીઓ)ની સંખ્યા ૪૩ છે, જ્યારે દહિસરમાં આની સંખ્યા ૪૨ છે. બોરીવલીમાં આવી જગ્યાઓ માત્ર ૧૧ છે જ્યારે ગોરેગામમાં આ આંકડો ૩૧ પર છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બોરીવલી વિસ્તારમાં કોરોના ઊંચી ઇમારતો સુધી પહોંચી ગયો છે, જેને કારણે અહીંની પરિસ્થિતિ વણસી છે. બોરીવલીમાં કુલ ૬૩૬ ઇમારતોને સીલ કરવામાં આવી છે. અહીં કોરોનાના દર્દીઓ મળ્યા છે. આમ બોરીવલીમાં આર્થિક રીતે સંપન્ન એવા વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કર્યો છે જ્યારે દહિસરની ઝૂંપડપટ્ટી હાલ કોરોનાનું કેન્દ્ર બની છે. 

મુંબઈ શહેરનો કોરોના સંદર્ભનો ગ્રોથ રેટ ૧.૬૯ ટકા છે જ્યારે બોરીવલીમાં આ આંકડો ૩.૨ ટકા, મલાડ અને ગોરેગામમાં આંકડો ૨.૪ ટકા, દહિસરમાં આ આંકડો ૨.૩ ટકા છે. આમ ઉત્તર મુંબઈમાં પરિસ્થિતિ સુધરી રહી છે, પરંતુ પૂરી રીતે કાબૂમાં આવી નથી.

મલાડમાં સ્લમમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે અને આનું મુખ્ય કારણ ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ છે. બજારોમાં ભીડને ભેગી ન થવા દેવા માટે પણ પોલીસે સારી કામગીરી કરી છે.

- સંજોગ કબરે, મલાડના વૉર્ડ-ઑફિસર

malad kandivli borivali dahisar coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation