કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ 24 કલાક ખુલ્લા રહેશે : મુખ્ય પ્રધાન

27 March, 2020 11:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ 24 કલાક ખુલ્લા રહેશે : મુખ્ય પ્રધાન

ઉદ્ધવ ઠાકરે

તમામ જીવનાવશ્યક વસ્તુની દુકાનો, કરિયાણા દુકાનો, દવાની દુકાનોને ૨૪ કલાક ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવે છે એવું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું છે. ગઈ કાલે વર્ષા ખાતે કોરોના ઉપાય યોજના સંદર્ભમાં મંત્રાલય નિયંત્રણ કક્ષના વરિષ્ઠ અધિકારીની બેઠક થઈ હતી જેમાં આ ચર્ચા થઈ હતી.

જોકે સંબંધિત દુકાનોએ ગ્રાહકોના આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી છે. બે ગ્રાહકોમાં અંતર રહેવું જોઈએ, સ્ટરિલાઇઝેશન કરવું અને સ્વચ્છતા રાખવી જેવા સરકારે આપેલા માર્ગદર્શનનું પાલન કરવામાં આવે એવું પણ આ બેઠકમાં નક્કી થયું હતું.

રીટેલ વેપારીઓ કાળાબજાર કરશે તો જેલના સળિયા ગણવા પડશે

શહેરમાં કરિયાણાના રીટેલ વેપારીઓ અનાજના કાળાબજાર કરીને સામાન ભાવથી વધુ પૈસા ગ્રાહકો પાસેથી પડાઈ રહ્યા હોવાની ફરિયાદ મંત્રાલય અને કન્ટ્રોલર ઑફ રૅશનિંગ ઑફિસ, મુંબઈને મળી રહી છે. સરકારે પોલીસ વિભાગને કાળાબજાર કરતા વેપારીઓને બે વર્ષની સીધી જેલની સજાનું ફરમાન કર્યું છે.

કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓને ધ મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણિકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે ખોટી લાલચમાં આવીને કાળાબજાર કરવાનો વિચાર નહીં કરતા. રીટેલ દુકાનદારોએ હાલના કપરા સંજોગોમાં ગેરફાયદો ઉપાડવાને બદલે સમાજસેવાની નૈતિક ફરજ અદા કરી, સુપર માર્કેટ અને ઑનલાઇન તરફ વળેલા ગ્રાહકોમાં ફરીથી વિશ્વાસ સંપાદિત કરવો જોઈએ. દુકાનમાં માલ ન હોય તો પોલીસને જણાવી દુકાન બંધ રાખજો, પરંતુ ખોટી લાલચના લોભે જેલના સળિયા ન ગણવા પડે એનું ખાસ ધ્યાન રાખજો.

mumbai mumbai news uddhav thackeray coronavirus covid19