મુંબઈ: બાર અને રેસ્ટોરાં ખૂલી શકતાં હોય તો પછી જિમ કેમ નહીં?

02 October, 2020 07:43 AM IST  |  Mumbai | Anurag kamble

મુંબઈ: બાર અને રેસ્ટોરાં ખૂલી શકતાં હોય તો પછી જિમ કેમ નહીં?

રાજ્યનાં અડધાં કરતાં વધુ જિમ બંધ થઈ ગયાં છે

જિમના માલિકો તથા ફિટનેસ બાબતે સજાગ લોકો એવો દાવો કરી રહ્યા છે કે તેમણે વિરોધ પક્ષોના રાજકીય નેતાઓની મદદ માગી એ કારણસર સરકાર તેમની અવગણના કરી રહી છે.

થાણેના જિમમાલિક પ્રવીણ પાંડવે જણાવ્યું કે ‘પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. અમે નથી જાણતા કે એવું તે શું છે જે બાર અને રેસ્ટોરાં કરી શકે, પણ જિમમાલિકો નથી કરી શકતા. અમે પણ મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપી શકીએ છીએ, અમે પણ અમારા સંકુલને સૅનિટાઇઝ કરી શકીએ છીએ. રાજ્ય સરકાર કોઈ જવાબ આપતી નથી. મારા મતે રાજ્યમાં અડધા કરતાં વધુ જિમ કાયમી ધોરણે બંધ થઈ ગયાં છે અને ૧૦ લાખ કરતાં વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.’

રાજ્યમાં જિમ અને ફિટનેસનો ઉદ્યોગ ઘણો મોટો છે અને નિષ્ણાતોના મતે, લૉકડાઉનને કારણે ૧૦ લાખ લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ છે.

ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેને મળ્યું હતું, જે સંદર્ભે અન્ય રાજકારણીઓએ જણાવ્યું હતું કે રાજ ઠાકરેને મળવું એ પ્રતિનિધિમંડળની ભૂલ હતી.

બૉડીબિલ્ડર અને ઍથ્લિટ સંતન ડી. ફર્નાન્ડિસે જણાવ્યું હતું કે ‘કોવિડ-19 એ સરકારની નિષ્ફળતાનો એક ભાગ છે. લૉકડાઉન દ્વારા નાગરિકોને સજા આપવાને બદલે સરકારે એનું બહેતર રીતે વ્યવસ્થાપન કરવું જોઈતું હતું. અમે જેટલા રાજકારણીઓને મળ્યા એ તમામે અમને ખાતરી આપી હતી. કેટલાકે દાવો કર્યો કે રાજ ઠાકરે સાથેની અમારી મુલાકાતના કારણે ગરબડ થઈ છે. અમારે વિરોધ પક્ષના નેતાઓને નહોતું મળવું જોઈતું. મને લાગે છે કે સરકાર અમે વ્યાયામ કરીને તંદુરસ્ત રહીએ એમ નથી ઇચ્છતી.’

સેનાનો દૃષ્ટિકોણ

જિમ ઉદ્યોગના લોકોની સમસ્યાથી અમે વાકેફ છીએ. એમાંથી ઘણા લોકો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા છે અને સીએમે તેમને પરવાનગી આપવાની ખાતરી આપી છે. આગામી અનલૉકમાં પરવાનગી મળે એવી અપેક્ષા છે. ફિટનેસ માટે જિમ મહત્ત્વપૂર્ણ છે, પણ અત્યારે અમે પ્રત્યેક નાગરિકના આરોગ્ય બાબતે ચિંતિત છીએ એમ સેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું.

coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation mumbai mumbai news anurag kamble