મુંબઈઃ લૉકડાઉન હોવા છતાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જૅમ

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈઃ લૉકડાઉન હોવા છતાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જૅમ

પોલીસની નાકાબંધીને કારણે જ હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હોવાનું ઘણા લોકોનું માનવું છે. તસવીર : સતેજ શિંદે

કોરાનાના કારણે લૉકડાઉન જાહેર કરાયેલું છે અને મુંબઈ હજી પણ રેડ ઝોનમાં છે એમ છતાં ગઈ કાલે સવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદ‌િવલીના સમતાનગર પાસે અને ગોરેગામ અને અંધેરી વચ્ચે જબરદસ્ત ટ્રાફિક જૅમ સર્જાયો હતો. જાણે કે રેગ્યુલર દિવસમાં લોકો ઑફિસે જવા કે કામધંધા પર જવા નીકળ્યા હોય. પોલીસ લૉકડાઉનનો ભંગ કરનાર સામે ઍક્શન લેતી પણ જોવા મળી હતી.

હાઇવેની આસપાસ રહેતા મુંબઈગરા લૉકડાઉન હોવા છતાં આ ટ્રાફિક (મુખ્યત્વે કાર) જોઈને ચોંકી ગયા હતા અને તેમણે એના ફોટો પાડી સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જે લોકો કોઈ અત્યાવશ્યક સેવા સાથે જોડાયેલા નહોતા અને કાર લઈને નીકળી પડ્યા હતા તેમની ગાડીની ચાવીઓ પોલીસ જપ્ત કરી લેતી હતી.

પોલીસે પણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અનેક જગ્યાએ નાકાબંધી કરી છે. તે વાહનચાલકોને રોકી-રોકીને તેમના ઈ-પાસ દેખાડવા કહી રહી છે. લોકોને એટલે પણ ટ્રાફિક જૅમનો અનુભવ થયો હતો. મુંબઈ તરફ જતી લેનમાં જ ટ્રાફિક જૅમ હતો એવું નહોતું, મુંબઈથી બોરીવલી તરફની લેનમાં પણ ટ્રાફિક જૅમ હતો.

મુંબઈ પોલીસ-કમિશનરે આ બાબતે લોકોને ચેતવતાં ટ્વીટ પણ કર્યું હતું કે મુંબઈગરાઓ, તમને યાદ દેવડાવી દઈએ કે મુંબઈ હજી પણ રેડ ઝોનમાં છે અને લૉકડાઉન-4માં પણ એના નિયમોમાં કોઈ છૂટછાટ અપાઈ નથી. અનેક વાહનો પરવાનગી અને અર્જન્સી ન હોય છતાં દોડી રહ્યાં છે. અમે દિવસ-રાત ડ્રાઇવર પર કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. આ સેફ્ટી તમારા માટે જ છે.

ranjeet jadhav western express highway coronavirus lockdown mumbai news mumbai traffic