મુંબઈમાં અફરાતફરી ઓછી થઈ, ટ્રાફિક જૅમ પણ ઘટ્યો

10 June, 2020 08:17 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં અફરાતફરી ઓછી થઈ, ટ્રાફિક જૅમ પણ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

‘મિશન બિગિન અગેઇન’ના ત્રીજા તબક્કામાં સોમવારે પ્રાઇવેટ ઑફિસ ખૂલવાની સાથે બેસ્ટની બસો શરૂ થવાના ગઈ કાલે બીજા દિવસે મુંબઈમાં પહેલા દિવસ જેટલી અફરાતફરી નહોતી જોવા મળી. મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા હતા, પરંતુ અમુક વિસ્તારને બાદ કરતાં બસની અંદર લૉકડાઉનના નિયમનું પાલન કરીને લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા. રસ્તામાં ટ્રાફિક હતો, પરંતુ પહેલા દિવસ કરતાં ઓછો ટ્રાફિક જૅમ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં મુંબઈ રૂટીનમાં આવી જશે. જોકે દુકાનની બહાર અને ઑફિસની અંદર કેટલાક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવાની ફરિયાદ મળી હતી. પાંચ ફુટનું અંતર રાખવા બાબતે અમુક લોકો સમજતા ન હોવાથી કેટલીક જગ્યાએ માથાકૂટ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં ચડવા માટે અમુક જગ્યાએ લોકોનો ધસારો હતો, પરંતુ પહેલા દિવસ કરતાં ગઈ કાલે કદાચ ઓછા લોકો બહાર નીકળ્યા હતા એટલે બીજે બધે રાબેતા મુજબ રહ્યું હતું. ઓવરઑલ જોઈએ તો પહેલા દિવસે આખું મુંબઈ ઘરની બહાર નીકળી ગયું હોય એવો જોવા મળેલો માહોલ ગઈ કાલે ઓછો જોવા મળ્યો હતો. મોટામાં મોટી મુશ્કેલીમાં મુંબઈની તાસીર ગણતરીના દિવસોમાં સ્ટૅન્ડ-અપ થવાની છે એટલે હજી થોડા દિવસમાં બધું સામાન્ય થઈ શકે છે.

mumbai mumbai news mumbai traffic coronavirus lockdown