મુંબઈ મેટ્રો-વન છે, સિક્યૉરિટીમાં પણ નંબર-વન

20 October, 2020 07:37 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ મેટ્રો-વન છે, સિક્યૉરિટીમાં પણ નંબર-વન

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધી 6727 પ્રવાસીઓએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો

વેસ્ટર્નના અંધેરીને સેન્ટ્રલના ઘાટકોપર સાથે જોડતી મુંબઈ મેટ્રો-1 ગઈ કાલે અનલૉક પછી ફરી પાછી દોડતી થઈ ગઈ હતી. લોકોને કોવિડથી સલામત રાખવા માટે કયાં પગલાં લેવાયાં છે એ જાણવા અમારા પ્રતિનિધિ બકુલેશ ત્રિવેદીએ એમાં પ્રવાસ કરીને ખરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં જણાઈ આવ્યું હતું કે મેટ્રો-1 સિક્યૉરિટી આપવામાં પણ નંબર-વન છે.

મેટ્રો ઑથોરિટી દ્વારા કોરોના સામે સુરક્ષાનાં બની શકે એટલાં પગલાં લેવાયાં હતાં. સિક્યૉરિટી પણ રખાઈ હતી અને તેમનો સ્ટાફ પણ બહુ તત્પરતાથી અને સલૂકાઈથી પ્રવાસીઓ સાથે વર્તી રહ્યો હતો. માસ્ક પહેરવો ફરજિયાત હોવાથી દરેક સ્ટાફ-મેમ્બર અને પ્રવાસીએ માસ્ક પહેર્યો હોય એનું ધ્યાન રખાતું હતું. સૅનિટાઇઝરથી પ્રવાસીઓને હાથ સાફ કરવાનું કહેવાતું હતું. પ્લૅટફૉર્મ અને ટ્રેનમાં પણ સૅનિટાઇઝરથી સાફસફાઈ કરવામાં આવી હોવાનું જણાયું હતું. એક સીટ છોડીને એક સીટ પર બેસવાની વ્યવસ્થા હતી અને ઊભા રહેવા માટે પણ ચોક્કસ અંતરે મુકાયેલાં સ્ટિકર્સ જોવા મળ્યાં હતાં. એ ઉપરાંત મેટ્રો ટ્રેનમાં અંદર પણ લોકોને સાવચેતી જાળવવાનો સંદેશો આપતાં સ્ટિકર્સ લગાડાયેલાં હાં. ટિકિટ-કાઉન્ટર પરથી અપાતી ક્યુઆર કોડવાળી ટિકિટ આપનાર કર્મચારીઓ પણ માસ્ક અને ગ્લવ્ઝ સાથે જ ઑપરેટ કરતા હતા, એટલું જ નહીં, એ ટિકિટ સ્કૅન કરવા માટે પણ તેમના કર્મચારીઓ મદદરૂપ થતા હતા. દરેક તબક્કે મેટ્રો-વનના કર્મચારીઓ ખડેપગે હોવાનું જણાયું હતું.

mumbai mumbai news mumbai metro