મુંબઈ: આને કહેવાય નવરા​ત્રિનો મિજાજ

19 October, 2020 07:54 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ: આને કહેવાય નવરા​ત્રિનો મિજાજ

મુલુંડના જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં ગરબે ઘૂમતી મહિલા પેશન્ટ્સ.

કોરોના કોને થશે અને ક્યારે થશે એની કોઈને ખબર નથી હોતી, પણ કોરોના થઈ જતાં પોતાનું મનોબળ નબળું ન પાડવું હોય તો મુલુંડના કોરોના જમ્બો કોવિડ સેન્ટરમાં કોરોના-પૉઝિટિવ મહિલાઓને જરૂર મળવું જોઈએ. શનિવારે નવરાત્રિનું પહેલું નોરતું હોવાથી મુલુંડના જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં કોરોના-પૉઝિટિવ મહિલાઓએ કોવિડ સેન્ટરમાં ગરબે રમીને નવરાત્રિની ઉજવણી કરી હતી.

મુલુંડના એલબીએસ રોડ પર આવેલા રિચર્ડસન અને ક્રુડાસ જમ્બો કોવિડ કૅર સેન્ટરમાં શનિવારે કોરોનાની સારવાર લઈ રહેલી મહિલાઓએ નવરાત્રિનો આંનદ લેવા માટે સેન્ટરની અંદર મૅનેજમેન્ટને ગરબા રમવા માટે રજૂઆત કરી હતી, જે સેન્ટરે માન્ય રાખી હતી એથી મહિલાઓએ પહેલાં પોતાના બેડ પર માતાજીની આરતી કરી હતી અને ત્યાર બાદ તેઓ સાથે મળીને ગરબે ઘૂમી હતી.

રિચર્ડસન અને ક્રુડાસ પાલિકાના જમ્બો કોવિડ કૅર સેન્ટરના કાર્યરત ડૉ. હિરેન ગાલાએ જણાવ્યું હતું કે ‘મહિલા દરદીઓએ અમારી પાસે ગરબા રમવાની માગણી કરી હતી. તેમના ઉત્સાહને જોઈને અમે તેમને મંજૂરી આપી હતી.’

નવરાત્રિમાં દર વખતે અમે સોસાયટીમાં રમવા જઈએ, પણ આ વર્ષે કોરોનામાં સપડાતાં અહીં સારવાર લઈ રહ્યાં છીએ. માતાજીનો ઉત્સવ વર્ષમાં એક વાર આવે છે એ જોતાં અમે પહેલાં બેડ પર જ બેસીને માતાજીની આરતી કરી હતી અને ત્યાર બાદ બધાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગરબા રમ્યાં હતાં. અમને રમતાં જોઈને અન્ય દરદીઓએ પણ બીમારીનું ટેન્શન ન લેતાં તેઓ પણ અમારી સાથે જોડાયા હતા.
- ગરબે ઘૂમનાર એક પેશન્ટઆગેવાન

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation mulund mehul jethva